
ઇદ પહેલા ભાજપ સંગઠન દ્વારા સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં 32 લાખ મુસ્લિમ પરિવારોને ઇદની ઉજવણી માટે ખાસ કીટ આપવામાં આવવાની હતી અને તેની જવાબદારી ભાજપના લઘુમતી મોરચાએ લીધી હતી. જોકે, ગુજરાતમાં ભાજપના લઘુમતી મોરચા દ્વારા સંગઠનમાં કામગીરી બતાવવા માટે ફક્ત એકલ-દોકલ ફોટો સોશિયલ મીડિયામાં મુકીને સંતોષ માની લીધો હતો.
ભાજપ દ્વારા વકફ (સંશોધન)બિલ પહેલા સૌગાત-એ-મોદીના નામે મુસ્લિમોમાં માહોલ બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લોકસભા અને રાજ્યસભામાં વકફ બિલ રજૂ થાય તે પહેલા ઇદનો તહેવાર આવતો હોવાથી કેન્દ્રીય ભાજપ સંગઠને મુસ્લિમોને રિઝવવા માટે સૌગાત-એ-મોદીના નામે કિટ આપી લઘુમતીઓમાં જશ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો અને આ કિટ વિતરણની જવાબદારી પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાઓના નેતાઓથી લઇને શહેર ગામડા સુધીના લઘુમતી નેતાઓને સોપાઇ હતી. જોકે, સૌગાત-એ-મોદીની ઉજવણીનું ફરમાન કરનાર પ્રદેશ ભાજપે જ સોશિયલ મીડિયામાં ઇદના તહેવારની શુભેચ્છાઓ પાઠવી નહતી, જેને લઇને પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના નેતાઓ પણ અવઢવમાં મુકાઇ ગયા હતા.
સૌગાત-એ-મોદીની કિટનો ખર્ચ ભાજપ લઘુમતી મોર્ચાના માથે
ઇદના તહેવાર પર જરૂરિયાત મંદ લોકોને સૌગાત-એ-મોદી કિટ આપવા માટે પ્રદેશ ભાજપે લઘુમતી મોરચાને જવાબદારી સોપી હતી અને ખર્ચ પણ લઘુમતી મોરચામાંથી ફાળવવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા કોઇ ખાસ કાર્યક્રમ કે વિતરણની વ્યવસ્થા કરવામાં આવી નહતી જેને લઇને નેતાઓમાં અંદરો અંદર ચર્ચા થઇ રહી હતી કે આ ખર્ચના પૈસા લાવવા ક્યાંથી? કીટ વિતરણ મામલે કાર્યકરોએ ભાજપ લઘુમતી મોરચાના નેતાઓને ફોન કરતા નેતાઓ આ મામલે કોઈ જવાબ આપી શક્યા નહતા અને ફોન ઉપાડવાનું પણ ટાળ્યું હતું. ખુદ ભાજપ લઘુમતી મોરચાના નેતાઓ ઈદ પર કોઈ ટ્રસ્ટ દ્વારા થતા મદદના કેમ્પમાં પહોંચી ગયા હતા અને કાર્યક્રમના ફોટા પોતાના નામે સોશિયલ મીડિયામાં મૂકી દીધા હતા.
વકફની ચર્ચા વચ્ચે ભાજપ લઘુમતી મોરચાના નેતાઓનું ભેદી મૌન
કેન્દ્રીય ભાજપ સંગઠન દ્વારા વકફ બિલ પહેલા સૌગાત-એ-મોદી નામના કાર્યક્રમની જવાબદારી લઘુમતી મોરચાને સોપતા મોરચાના નેતાઓમાં અંદરો અંદર ગણગણાટ શરૂ થયો હતો કે વકફ બિલ બાદ "મુસ્લિમ લોકોના રોષનો ભોગ આપણે બનશું" જેને લઇને નેતાઓએ આ કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું અને આ મામલે સોશિયલ મીડિયા પર કોઇ પણ પ્રકારની પોસ્ટ કે મેસેજ લખવાનું ટાળ્યું હતું.