
આજે સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પણ અનેક જગ્યાએ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વિશાળ અને આકર્ષક કાર્યક્રમ પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે યોજાયો હતો. આ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજન, હવન અને આરતી સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાડુ બન્યો આકર્ષણનું કેન્દ્ર
સમગ્ર કાર્યક્રમમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું – 6,૦૦૦ કિલોનો બુંદીનો વિશાળ લાડુ રહ્યો હતો. જેને ભગવાન હનુમાનને ભોગ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. અટલ આશ્રમના મહંતે જણાવ્યુ કે,"હનુમાનજીના નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવાથી માનસિક અને શારીરિક બળ મળે છે. આ વિશાળ લાડુ ભક્તોની શ્રદ્ધાનો પ્રતિક છે. ભગવાનને અર્પણ કર્યા પછી તે પ્રસાદરૂપે બધાં સુધી પહોંચે – એજ અમારી ભાવના છે."
અલગ અલગ કાર્યક્રમો યોજાયા
આ ઉજવણી દરમિયાન પૂજાઓ, સંકીર્તન અને ધાર્મિક પ્રવચનો પણ આયોજિત થયા હતા. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સુરક્ષા અને વ્યવસ્થાના તમામ પાયાં પણ સારી રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યા હતાં. આ ભવ્ય અને ભક્તિમય આયોજન હનુમાનજીના ભક્તોમાં એક નવો ઉત્સાહ ભરતો રહ્યો હતો.