છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારોમાં આજે અચાનક કમોસમી વરસાદ ખાબકતાં સ્થાનિકોમાં આશ્ચર્યજનક માહોલ સર્જાયો હતો. લગભગ 10 મિનિટ સુધી પડેલા ઝરમર વરસાદના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા અને ગરમીથી ત્રાસી રહેલા લોકો માટે થોડી રાહત અનુભવી હતી. હાલમાં કાળઝાળ ગરમીના કારણે તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો. પણ આજે પડેલા આ અચાનક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તાપમાનમાં ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેરીના પાકને નુકસાન થવાની ભીતિ
તેમ છતાં, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા જગાવતા જોવા મળ્યા છે. ખાસ કરીને કેરીના પાકને અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. હાલમાં કેરીના વૃક્ષો પર કાચા ફળો જોવા મળી રહ્યા છે અને આવા તબક્કે પડેલો વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે.કૃષિ અધિકારીઓએ ખેડૂત મિત્રો માટે સતર્કતા જાળવવા અને જરૂરી પગલાં લેવા અનુરોધ કર્યો છે. હજુ પણ જો આવી જ પરિસ્થિતિ યથાવત રહી તો ખેડૂતોને વધુ નુકસાન સહન કરવું પડી શકે છે.