ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરત, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગરમાં કારખાનાઓમાં, ગોડાઉન સહિત અનેક સ્થળો પર આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ ખેતરમાંથી પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ ગઈકાલે જ સાબરકાંઠાના એક ખેતરમાં UGVCLની વીજ લાઈનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી હતી અને ખેડૂતનો તમામ પાક બળીને ખાખ થઈ ગયો હતો એવામાં ફરીથી રાજકોટમાંથી એક ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે.
10 વીઘાના ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટના
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હરિયાસણ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. અંદાજિત 10 વીઘાના ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટના બનતા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. કૃષ્ણસિંહ વાળા નામના વ્યક્તિના ખેતરમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. આગ લાગવાની માહિતી મળતા સ્થાનિક ખેડૂતો તેમજ આસપાસના લોકો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જામનગરમાં PGVCLની બેદરકારીને કારણે 15 વિઘા ઘઉં બળીને ખાખ
જામનગરના કાલાવડમાં ખંઢેરા ગામે PGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. ખેતરમાં આગ લાગતા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના ખેતરમાં 15 વિઘામાં ઉગાડેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, ખંઢેરા ગામના ઉદુભા જાડેજા નામના ખેડૂતનું ખેતર હતું. ખેતર ઉપરથી PGVCLની સર્વિસ લાઇન હતી. જેમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ઇલેટ્રીકનો ચાલુ વાયર ખેતરમાં ઉભેલ 15 વિઘાના ઘઉં પર પડ્યો જેથી ખેતરમાં આગ લાગી અને ઘઉં ઉપર પડતા સંપૂર્ણ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા.