
Bodeli news: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કંચન પટેલ અને અન્ય વ્યકિત સામે વિદેશી નાગરિકત્વ ધરાવતા ચાર લોકોને બોગસ ડોક્યમેન્ટના આધારે ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે ચેરિટી કમિશનરમાં અરજી અગાઉ થઈ હતી.
મળતી વિગતો અનુસાર, બોડેલી નગરમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ એવા કંચન પટેલ તેમજ શાંતિલાલ ભગત સામે પોલીસ ફરિયાદ દાખલ છે. આ અગાઉ પણ તેઓની સામે ચેરિટી કમિશનરમાં અરજી કરવામાં આવી હતી. તેઓની સામે આરોપ હતો કે તેઓએ વિદેશી નાગરિકતા ધરાવતા ચાર લોકોને બનાવટી દસ્તાવેજોના આધારે ટ્રસ્ટમાં સામેલ કર્યા છે. ભાજપના ઉપપ્રમુખ એવા કંચન પટેલ ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રમુખ છે. જેથી ટ્રસ્ટમાં પોતાનો દબદબો જાળવવા અને ગેરરીતિ આચરવા NRI લોકોને ટ્રસ્ટમાં સામેલ કરવાનો આરોપ મૂકાયો છે.
ટ્રસ્ટની સામાન્ય સભામાં સભ્યોની ખોટી સહીઓ કરી ઠરાવ કર્યાનો આરોપ છે. જેથી ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્ય અને APMC ડિરેક્ટર દિવ્યેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી. જેથી બોડેલી પોલીસે બીએનએસ કલમ 336(2), 336(3), 338, 340(2), 237, 238, 61 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.