
Joe Biden Diagnosed with Prostate Cancer: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાજેતરના તબીબી તપાસમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. પેશાબમાં તકલીફ થતાં તેમણે તાજેતરમાં જ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જો બાઈડેનના સ્વાસ્થ્ય અંગે તેમના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રોસ્ટેટ કેન્સરના કોષો તેમના હાડકાં સુધી ફેલાઈ ગયા છે. આથી જો બાઈડેન અને તેમનો પરિવાર કેન્સરની સારવાર લેવાનું વિચારી રહ્યા હતા.
જો બાઈડેનને પ્રોસ્ટેટ કેન્સરની અસર હાડકાં સુધી ફેલાઈ
પ્રોસ્ટેટ કેન્સરની ગંભીરતા ગ્લીસન સ્કોર દ્વારા નક્કી થાય છે. 1થી 10નો સ્કોર દર્શાવે છે કે કેન્સર કેટલું આગળ વધી ગયું છે. જો બાઈડેનનો સ્કોર 9 છે. આ દર્શાવે છે કે કેન્સર ખૂબ જ ગંભીર તબક્કામાં પહોંચી ગયું છે.
જો બાઈડેન 82 વર્ષના છે. તેમના કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે, 'જોકે આ ગંભીર બીમારી છે, પરંતુ તે હોર્મોન-સંવેદનશીલ લાગે છે, જેના કારણે તેની અસરકારક સારવાર શક્ય છે.' નિષ્ણાતોના મતે, આવા કિસ્સાઓમાં, હોર્મોન થેરાપી, કીમોથેરાપી અને કેટલાક કિસ્સાઓમાં હાડકાંને લક્ષિત સારવાર અસરકારક સાબિત થઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનના પરિવારને સાંત્વના આપી
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પે બાઈડેનના પરિવારને સાંત્વના આપી અને તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે પૂર્વ રાષ્ટ્રપતિ જલ્દી સ્વસ્થ થાય.'
ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર જો બાઈડેનના સ્વાસ્થ્ય વિશે વાત કરતા હતા. તેમણે ઘણી વખત દાવો કર્યો છે કે જો બાઈડેનનું સ્વાસ્થ્ય સારું નથી અને આનાથી તેમની વિચારવાની ક્ષમતા પર પણ અસર પડી છે. ઘણા દબાણ પછી, જો બાઈડેન રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી નહીં. કમલા હેરિસ ડેમોક્રેટ્સ વતી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી મેદાનમાં હતા. જોકે, ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.
PM મોદી પણ ટ્વિટ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઈડનના સારા સ્વાસ્થ્ય માટે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું, "પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્વાસ્થ્ય વિશે સાંભળીને ખૂબ જ ચિંતિત છું. તેમને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવું છું. અમારા વિચારો ડૉ. જીલ બિડેન અને પરિવાર સાથે છે."
https://twitter.com/ANI/status/1924375403495346296
પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો
આ રોગને સમયસર ઓળખવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પ્રોસ્ટેટ કેન્સરના કેટલાક લક્ષણો વિશે વાત કરી તો.. પેશાબ કરવામાં તકલીફ થવી કે મૂત્રમાર્ગમાં દુખાવો થવો એ આ ગંભીર રોગની નિશાની સાબિત થઈ શકે છે. વારંવાર પેશાબ કરવાની સમસ્યા પ્રોસ્ટેટ કેન્સર તરફ પણ ઈશારો કરી શકે છે.
હાડકામાં દુખાવો
કમરના નીચેના ભાગમાં, પેલ્વિક વિસ્તારમાં અથવા હિપમાં દુખાવો થતો હોય, તો આ પ્રોસ્ટેટ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય, પેશાબ સાથે લોહી નીકળતું હોય, તો તરત જ સાવચેત રહો. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ ખતરનાક રોગને કારણે વધુ થાક અને નબળાઈ પણ અનુભવી શકાય છે.
કોઈ પણ કારણ વગર વજન ઘટવું એ પણ પ્રોસ્ટેટ કેન્સરની નિશાની હોઈ શકે છે. આ ઉપરાંત, પ્રોસ્ટેટ કેન્સરને કારણે પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે છે. જો તમને આવા લક્ષણો એકસાથે અનુભવાઈ રહ્યા હોય, તો કોઈપણ વિલંબ કર્યા વિના તપાસ કરાવવી જોઈએ. પ્રોસ્ટેટ કેન્સર જેટલું વહેલું શોધી કાઢવામાં આવશે, તેટલું સ્વાસ્થ્યને ઓછું નુકસાન થશે.