મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે મનસેના રાજ ઠાકરે અને UBT શિવસેનાના ઉદ્વવ ઠાકરે સાથે આવવાની ચર્ચાએ વેગ પકડ્યો છે, ત્યારે આ મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે તેને સકારાત્મક રીતે લીધું હોવાનું સામે આવ્યું છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'જો તેઓ સાથે આવે છે તો તેની અમને ખુશી થશે. કારણ કે, જો અલગ થયેલા લોકો સાથે મળે અને કોઈનો વિવાદ ખતમ થાય તો તે સારી વાત છે. જેમાં ખોટું લગાડવાની કયા વાત છે. પરંતુ આપણે શું કહી શકીએ કે તેમણે ઓફર કરી અને તેમણે જવાબ આપ્યો?'
જ્યારે BMC ચૂંટણી અંગે ફડણવીસે કહ્યું હતું કે, 'ભલે બીએમસીની ચૂંટણી હોય કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ, ભાજપના નેતૃત્વમાં આપણી મહાયુતિ ચોક્કસપણે આ બધી ચૂંટણીઓ જીતશે. મહાયુતિનો વિજય થશે.'
સ્વાભિમાન સાથે સમાધાન નહીં થાયઃ સંજય રાઉત
રાજ ઠાકરે અન ઉદ્ધવ ઠાકરેના સાથે આવવાના નિવેદનને લઈને સંજય રાઉતે કહ્યું કે, બંને ભાઈ છે અને તેમનો સંબંધ કાયમ છે. રાજકીય મતભેદ હોય શકે છે. આજની ભાજપ મહારાષ્ટ્રની નંબર વન દુશ્મન છે. જેના કારણે અમિત શાહે પોતાના સ્વાર્થ માટે શિવસેનાને તોડી અને આવા લોકોને ઘરમાં જગ્યા નહીં આપીએ. સત્તા નહીં મળે પણ સ્વાભિમાન રાખીશું. આવા લોકોને ના અમે ઘરમાં જગ્યા આપીશું, ન વાત કરીશું અને ન સાથે પાણી પીશું. આ અમારી અને મહારાષ્ટ્રના સ્વાભિમાનની ભૂમિકા છે. વધુમાં વધુ શું થશે સત્તા નહીં મળે, ભલે ન મળે. અમે સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરીએ. અમારી એક જ માંગ છે કે, તમે તેમના સાથે કોઈ સંબંધ નહીં રાખો તો જરૂર અમે તમારી સાથે વાત કરીશું.'
ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો
શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ આનો જવાબ આપતા કહ્યું, 'હું બધા મરાઠી લોકોને પણ મરાઠી માનુષના હિતમાં એક સાથે આવવા અપીલ કરું છું પરંતુ ફક્ત એક જ શરત છે.' જ્યારે હું લોકસભામાં કહી રહ્યો હતો કે ઉદ્યોગોને મહારાષ્ટ્રથી ગુજરાતમાં ખસેડવામાં આવી રહ્યા છે, જો તેનો વિરોધ થયો હોત તો આજે આ સરકાર કેન્દ્રમાં સત્તામાં ન હોત. રાજ્યમાં પણ એવી સરકાર હોત જે મહારાષ્ટ્રના હિત વિશે વિચારતી હોત.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'પછી તમે તેમને ટેકો આપ્યો, હવે તમે તેમનો વિરોધ કરો છો, ત્યારબાદ તમે બહાના બનાવી રહ્યા છો, આ યોગ્ય રહેશે નહીં.' જે કોઈ મહારાષ્ટ્રના હિતની વિરુદ્ધ હશે, તેને હું મારા ઘરે બોલાવીને ખવડાવીશ નહીં. પહેલા આ કરો, પછી મહારાષ્ટ્રના હિતની વાત કરો.
એકનાથ શિંદે રાજ ઠાકરેને મળ્યા હતા
તમને જણાવી દઈએ કે મંગળવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે સાથે તેમના દાદર સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી શિંદેની ઠાકરેના નિવાસસ્થાન 'શિવ તીર્થ'ની આ પહેલી મુલાકાત હતી. શિવસેના પ્રમુખની સાથે પાર્ટીના નેતા અને મહાયુતિ સરકારમાં ઉદ્યોગ મંત્રી ઉદય સામંત પણ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે એકનાથ શિંદેની આ મુલાકાત દરમિયાન રાજ ઠાકરેના પુત્ર અમિત અને મુંબઈ મનસે પ્રમુખ સંદીપ દેશપાંડે પણ હાજર હતા.