
જ્યારથી સરકારે સ્માર્ટ મીટરની યોજનાની જાહેરાત કરી છે ત્યારથી રાજ્યમાં ઠેર ઠેર તેનો વિરોધ જોવા મળ્યો છે. તેવામાં નવસારીમાં પણ કેટલાક રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પરવાનગી વગર સ્માર્ટ મીટર લગવ્યા હોવાના આક્ષેપ રહીશોએ કર્યા હતા.
રહીશોની પરવાનગી વગર લગાવ્યા સ્માર્ટ મીટર
નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલા કામધેનુ આવાસના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રહીશોની પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાડ્યા હોવાનો આક્ષેપ કંપની ઉપર લગાડવામાં આવ્યા હતા. કંપની દ્વારા કામધેનુ સોસાયટીના 50થી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા હતા.
DGVCLની કચેરી પર રહીશોએ મચાવ્યો હોબાળો
આ ઘટના બાદ રહીશોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીમાં જઈ રજૂઆત કરી હતી. કચેરીમાં સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવી અરજી આપવામાં આવી હતી. સોસાઇટીના રહીશો દ્વારા સ્માર્ટ મીટર કાઢી જવા માટેની લેખિત અરજી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને આપી હતી. સાથે જ સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાડવા માટેની માંગ રહીશો દ્વારા કરવામાં આવી હતી.