Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી પર થયેલા હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 લોકોના મોત નિપજ્યાં હતા. આંતકીઓ હજુ પણ ભારતીય સેનાની પકડથી દુર છે. એવામાં ગુજરાત આતંકી હુમલાનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.
દાહોદમાં પાકિસ્તાનના ધ્વજ પર રેલી કાઢી સળગાવ્યો
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાને લઈ દાહોદમાં હિંદુ સમાજ દ્વારા ઝાલોદ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. હિંદુ સંગઠન દ્વારા ઝાલોદમાં બાઈક રેલી યોજી પાકિસ્તાનનો ધ્વજ રોડ ઉપર પાથરી તેની ઉપર ગાડી ચલાવી ત્યારબાદ ધ્વજ સળગાવવામાં આવ્યો છે. પાકિસ્તાનનો ધ્વજ સળગાવી પાકિસ્તાન હાય હાય ના નારા લગાવ્યા હતા.
રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરીનું નિવેદન
રાજકોટમાં એઆઈસીસીના સેક્રેટરી ડો શ્રીવેલા પ્રસાદની પત્રકાર પરિષદ યોજાઈ હતી. AIICCના સેક્રેટરી ડો.સીરીવેલા પ્રસાદનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, કાશ્મીર હુમલાને કોંગ્રેસ વખોડે છે. સર્વદળિયા બેઠકમાં કોંગ્રેસે સરકારને સમર્થન આપ્યું છે.
બનાસકાંઠામાં પાકિસ્તાનનું પૂતળું દહન કરી કર્યો વિરોધ
બનાસકાંઠાના ડીસામાં હિંદુ સમસ્ત સંગઠન દ્વારા કાશ્મીર આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું. આજે પાકિસ્તાનના પૂતળાનું દહન કરી સરકારને પાર્થના કરી માર્યા ગયેલા નિર્દોષો ન્યાય અપાવવા અપીલ કરી. સામાજીક આગેવાને કહ્યું કે, વડાપ્રધાન મોદી તમે હિંદુઓના વોટ પર ભારતમાં જીત મેળવો છો તો માર્યા ગયેલા હિંદુઓને ન્યાય અપાવો. કાશ્મીર આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ ત્યારે મળશે જ્યારે આતંકીઓને ઠાર મરાશે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ઘરમાં ઘૂસીને મારો તો બીજી વખત આવી પ્રવૃતિ કરતા પહેલા વિચાર કરે.
બોટાદમાં અડધો દિવસ સજ્જડ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
ગઢડા વેપારીઓ એ અડધો દિવસ સજ્જડ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગઢડાના નવી કાપડ બજાર જૂની કાપડ બજાર બોટાદના ઝાંપા સહિતના વિસ્તારોમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યું હતું. ગઢડામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરી ગઢડાના વેપારીઓએ મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકો સજડબંધ
આતંકવાદી હુમલાના વિરોધમાં પાટડી બંધ રાખવામાં આવ્યું હતું. માર્કેટીંગયાર્ડ અને વેપારી સંસ્થાઓએ પણ બંધ પાળ્યું હતું. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મોત મુદ્દે કડક કાર્યવાહી કરવા અંગેની માંગ કરાઈ હતી. વકીલ એસોસિએશન અને બજાર એસોસિએશનએ પણ બંધને સહકાર આપ્યો હતો. આજે રાત્રે કેન્ડલ માર્ચ યોજવામાં આવશે.
રાજકોટ મહાનગર પાલિકાનો નિર્ણય
રાજકોટ મહાનગર પાલિકાએ નિર્ણય કર્યો કે, તેઓ ગુજરાત સ્થાપના દિવસ નહીં ઉજવે. 1 મેના રોજ આવે છે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે. પહલગામમાં થયેલ હુમલાને લઈ આ વખતે ઉજવણી નહીં કરવામાં આવે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
વડોદરા ગૃહ મંત્રી હર્ષ સંઘવી મુલાકાત દરમિયાન મહત્વનું નિવેદન આપ્યું છે. પહેલાગામ પર્યટકો પર હુમલા બાદ સર્જાયેલા ઘટના ક્રમ અંગે નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી ગાઈડ લાઈનનું પાલન કરાઈ રહ્યું છે. સરકાર દ્વારા પાકિસ્તાનના નાગરિકોને ભારત છોડી દેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જે પણ પાકિસ્તાનીઓ ગુજરાતમાં રહે છે તેમને દેશ છોડી દેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતના સરહદી વિસ્તારોની ચોકસાઈ વધારી દેવામાં આવી છે.
ગોધરામાં મુસ્લિમ સમાજે નોંધાવ્યો વિરોધ
ગોધરા મુસ્લિમ સમાજે શુક્રવારની નમાઝ અદા કર્યા બાદ આંતકવાદી હુમલાને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો. તેમના દ્વારા તમામ નિર્દોષ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. આતંકવાદીઓ સામે ભારત તરફથી જબરદસ્ત જવાબી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પંચમહાલમાં મુસ્લિમ સમાજમાં રોષ
આતંકી હુમલાને લઈ પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરા મુસ્લિમ સમાજના તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા શુક્રવારની નમાઝ અદા કરાઈ હતી. આંતકી હુમલાની ઘટના મામલે દુઃખ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો. દોષિતો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજે પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો
છોટાઉદેપુરના માણેક ચોક ખાતે આતંકી હુમલાને લઈને પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો હતો. છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાને લઈને વિરોધ નોંધાવ્યો છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાનના ઝંડાને સળગાવી દીધો હતો. મુસ્લિમ સમાજ દ્વારા સરકાર પાસે આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. નગર પાલિકાના ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી સહિત મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગરમાં મુસ્લિમ સમાજે નોંધાવ્યો વિરોધ
મહીસાગર જિલ્લામાં પહેલગાવ આંતકી હુમલાને લઈ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટી બાંધી નમાઝ અદા કરાઈ હતી. લુણાવાડા ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો. મુસ્લિમ સમાજ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ કરાયો હતો. તેમજ આતંકી હુમલામાં મરણ જનારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
અમાવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ
ભારત અને ગુજરાતભરમાં ૭૦ લાખ મુસ્લિમ સમાજ આતંકવાદ સામે વિરોધ કરી રહ્યા છે. પહેલગામ આતંકીઓનો હુમલો કાયરતાપૂર્ણ હુમલો છે. ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરની જનતાએ પણ આ કૃત્યને વખોડ્યો છે. મુસ્લિમ સમાજ આઝાદી સમયથી દેશ માટે ઉભો છે અને રહેશે. કાશ્મીરનો એક યુવક જેણે પણ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનના આ કૃત્યથી મુસ્લિમ સમાજ માટે મુશ્કેલી ઊભી થાય છે. રાજ્યની તમામ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના લોકો કાળી પટ્ટી ધારણ કરીને નમાઝ પઢશે. આતંકવાદી કૃત્ય સામે સરકાર સખતમાં સખત પગલાં લે તેવી માંગણી કરાઈ હતી. ભારત સેક્યુલર દેશ છે અને જ્યારે પણ મુસ્લિમ સમાજ પર આપત્તિ આવી ત્યારે હિન્દુ મોટાભાઈ તરીકે મુસ્લિમ સમાજ માટે હંમેશા ઉભો રહ્યો છે.