
રાજ્યના ભરૂચમાંથી સાયબર ફ્રોડ ગેંગના પાંચ સાગરીતોને પોલીસે દબોચ્યા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડ ગેંગના પાંચ સાગરીતોને ઝડપી પાડી દસ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, તો એકને વોન્ટેડ જાહેર કર્યો છે.આરોપીઓએ બે મજૂરોના બેંક ખાતાઓનો ઉપયોગ કરી રૂ. 28.20 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી, જ્યારે કુલ પાંચ કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી.
ભરૂચમાંથી સાયબર ફ્રોડ ગેંગના 5 આરોપીઓ ઝડપાયા
મુખ્ય આરોપી શૈલેષ સુરેશ ચૌહાણ, જે આર.કે. સેલેસ્ટીયલ સાઈટનો સુપરવાઈઝર છે, તેણે તેના બે મજૂરો રામ સેવક સાહની અને રામલાલ મહંતોના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો હતો. શૈલેષે મજૂરોને જણાવ્યું હતું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને તેના કોન્ટ્રાક્ટના તેમજ ખેતીના પૈસા તેમના ખાતામાં જમા કરવા માંગે છે, ત્યાર બાદ ઓગસ્ટ 2024માં, રામલાલના SBI અને BOB ખાતામાં અનુક્રમે 9.20 લાખ અને 9.50 લાખ રૂપિયા જ્યારે રામ સેવકના SBI ખાતામાં 9.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા શૈલેષ સાથે જઇ મજૂરોએ ખાતામાંથી કુલ 28.20 લાખ રૂપિયા ચેકથી ઉપાડીને શૈલેષને આપ્યા હતા.
મજૂરોએ એકાઉન્ટ સીઝ થતાં દાખલ કરી ફરિયાદ
બંને મજૂરોના બેંક એકાઉન્ટ સીઝ થતાં તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ હાથ ધરી પોલીસે તેઓના સુપરવાઈઝર શૈલેશ ચૌહાણને પોલીસ મથક લાવી પૂછતાછ કરતાં સમગ્ર સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં પાંચ કરોડના સાયબર ફ્રોડના દસ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
આ પણ વાંચો: કચ્છ: મુન્દ્રા પોલીસે 30 લાખથી વધુ ડ્રગ્સ સાથે શખ્સને દબોચ્યો, મોટા પ્રમાણમાં મળ્યો જથ્થો
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કૌભાંડમાં રવિરાજ ચૌહાણ,વિકાસ યાદવ, રાહુલ ચૌહાણ અને મોરિયા વિજય કુમાર ગોવિંદ પણ સામેલ હતા.રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી હતી અને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો .