
અમદાવાદના રામોલ વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરે સમગ્ર ઘટનામાં ગુનેગારોને કાયદાની ભાષામાં પાઠ ભણાવવા જણાવ્યું હતું. સ્થાનિક પોલીસે આરોપીઓની જાહેરમાં સરભરા કરી હતી. અલકેશ યાદવ નામના આરોપીને તેના નિવાસસ્થાને લાવીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આ દરમિયાન આરોપી જાહેરમાં માફી માંગતો પણ જોવા મળ્યો હતો.
પોલીસે અલકેશ યાદવ નામના આરોપીને પાઠ ભણાવ્યો
રામોલ વિસ્તારમાં જાહેરમાં આતંક મચાવનારા અલકેશ યાદવ નામના આરોપીને પોલીસ જાહેરમાં દંડાથી માર મારતા તેના ઘરે લાવી હતી અને જાહેરમાં લોકોની માફી મંગાવતી જોવા મળી હતી. પોલીસ સામે આરોપી લાચાર બની ગયો હતો અને માફી માંગતો જોવા મળ્યો હતો. અમદાવાદ પોલીસે આ સાથે જ આરોપીને સંકેત આપી દીધો છે કે જો કાયદો વ્યવસ્થા તોડવાનો પ્રયાસ કર્યો તો આ રીતે જાહેરમાં જ તેમની સરભરા કરવામાં આવશે.
શું છે ઘટના?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા અને શુક્રવારે જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતાં તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. એ.એમ.સીના અધિકારીઓ, પોલીસ કમિશન સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.