
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે એક પછી એક ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગડોદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું છે. પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી છે. ગોળી વાગતા વેપારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો છે. ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
હોસ્પિટલ ગયા ત્યારે ગોળીબારની જાણ થઈ
પોલીસ અધિકારીએ કહ્યું કે, સંજયભાઈ પડશાળા સરથાણામાં રહે છે. જે યાર્નના વેપારી છે. તેઓ નારાયણ નગર ખાડી પાસેથી પસાર થતા હતા. દરમ્યાન પાછળથી કોઈ ફટાકડા જેવો અવાજ આવ્યો હતો. તેણે નીચે ઉતરીને જોયું તો પીઠ પાછળ ઈજા હતી. એટલે એમના માસીયાઈ ભાઈ તેઓને અહીંથી હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં ખબર પડી કે તેમના પીઠ પાછળ ગોળી વાગેલી છે. તેઓનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ હાલ કઈ રીતે ફાયરીંગ થયું કોના દ્વારા થયું તે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
સમીર માંડવા પર જાહેરમાં ફાયરિંગ થયું હતું
સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખસે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું. ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક આવેલા બાગ-એ-અહેમદ એપાર્ટમેન્ટના બહાર રિક્ષામાં બેઠેલા માથાભારે સમીર પઠાણ પર મોપેડમાં બેસીને આવેલા ચાર શખસે ફાયરિંગ કરીને તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં બે આરોપીના હાથમાં પિસ્તોલ અને એકના હાથમાં ચપ્પુ જેવા હથિયાર જોવા મળી રહ્યું છે.