
ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ 'જય ગોપાલ'ના નારા લગાવ્યા હતા.
વિસાવદરમાં કારમી હાર બાદ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન
વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા સામે કારમી હાર બાદ ભાજપ પ્રવક્તા યગ્નેશ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભાજપ પોતાની હાર બાબતે સમીક્ષા કરશે. વિસાવદરમાં કયા મુદ્દે હાર્યા તે મુદ્દે ખાસ સમીક્ષા કરવામાં આવશે.
ગોપાલ ઇટાલિયા ભોળી પ્રજાને સમજાવવા માટે સફળ રહ્યા, પણ આવનારા દિવસોમાં પ્રજા પણ ગોપાલને જાણી લેશે. અપ્રચાર કરીને જીત મેળવી છે, કડીમાં ભાજપ જીત્યું છે. બંને જગ્યાએ પક્ષ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. પ્રજા દ્વારા આપવામાં આવેલ જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ.
નીચે સુધી જઈને જે ખૂટતું હશે તે કામ પૂર્ણ કરીશું - ભાજપ મહામંત્રી રજનીશ પટેેલ
હાર જીતની સાથે જે પ્રકારે મતદારોએ મતદાન કર્યું છે, ભાગલા પાડનારા અને નફરતની રાજનીતિથી જે પ્રયાસ થયો છે. લોકોએ નરેન્દ્રભાઈની વાત પર મતદાન કર્યું, દેશની સુરક્ષા માટે નરેન્દ્રભાઇ પ્રયત્ન કરી રહ્યા છે, સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે પ્રયત્ન કરી રહ્યા છે તે વાતને લોકોએ સમર્થન આપ્યું. CM ભૂપેન્દ્ર પટેલ પણ સતત પ્રયત્નશીલ છે.
કડીમાં અભૂતપૂર્વ જીત થઈ છે, વિસાવદરમાં જે પરિણામો આવ્યા છે તેના માટે મંથન કરીશું. નીચે સુધી જઈને જે ખૂટતું હશે તે કામ પૂર્ણ કરીશું. દરેક ચૂંટણીમાં પ્રજાનો મત અને મૂડ અલગ પ્રકારનો હોય છે. વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલની હાર, જિલ્લા પંચાયતની ડુંગરપુર, વડાલ અને ચુડા સીટ પર ભાજપને નુકશાન થયું. આહીર સમાજના મતોમાં બીજેપીને મોટો ફટકો પડ્યો. જવાહર ચાવડાના સમર્થકો અને આહીર સમાજની નારાજગી ભાજપને ભારે પડી છે.