સુરતની સરકારી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર 'મિશન એડમિશન' અંતર્ગત એક નવો ટ્રેન્ડ જોઈ શકાય છે. જ્યાં પહેલાં વાલીઓ પોતાના બાળકના ભવિષ્ય માટે ખાનગી શાળાઓની બહાર લાંબી લાઈનો લગાવતા, હવે એ જ લાઈનો સરકારી શાળાઓની બહાર જોવા મળી રહી છે.
5000 અરજીઓ આવી
આ વર્ષે ખાસ કરીને મોટા વરાછા ઉતરાણ ખાતેની સરકારી શાળામાં 500 બેઠકો માટે આશરે 5000થી વધુ વાલીઓએ એડમિશન માટે અરજી કરી છે. એડમિશન માટે લાઈનમાં ઊભા વાલીઓ કહે છે કે, “આજકાલની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ઘણે આગળ વધી ગઈ છે. બાળકોને અભ્યાસક્રમ, ક્વાલિફાઈડ શિક્ષકો, અને વિવિધ સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓનો લાભ મળી રહ્યો છે.”
મફતમાં ગુણવત્તાવાળું શિક્ષણ
જ્યાં ખાનગી શાળાઓમાં નર્સરીથી ધોરણ 8 સુધીમાં અંદાજે રૂ. 25,000થી પણ વધુ ફી લેવામાં આવે છે, ત્યાં સરકારી શાળાઓ મફતમાં સંપૂર્ણ શિક્ષણ આપે છે. આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓ જેમ કે મિડ-ડે મીલ, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલ બેગ જેવી સુવિધાઓ પણ વાલીઓ માટે આકર્ષણ બની છે.
વાલીઓમાં ખુશીની લાગણી
એક વાલી અનુજા પટેલ કહે છે: “મારું બાળક ગયા વર્ષે ખાનગી શાળામાં હતું, પરંતુ ખર્ચ વધુ અને પરિણામ ઓછું મળતાં અમે સરકારી શાળામાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો. અહીંના શિક્ષકો બાળકોની ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ પ્રતિબદ્ધ લાગે છે.”
શિક્ષણવિદોનું કહેવું શું છે?
શિક્ષણવિદો માને છે કે આ પરિવર્તન માત્ર અર્થતંત્ર પર આધારિત નથી, પણ શૈક્ષણિક ગુણવત્તામાં થયેલા સુધારાનું પરિણામ છે. ઘણા સરકારી શાળાઓમાં હવે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ્સ અને રિમેડિયલ શિક્ષણ જેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જો હાલની સ્થિતિ જ રહી, તો આવનાર સમયમાં સરકારી શાળાઓ માત્ર ઓછી આવકવાળા પરિવારો માટે નહીં, પણ તમામ વર્ગના લોકો માટે 'પ્રથમ પસંદ' બની જશે.