દિલ્હી બાદ હવે ગુજરાતની હવા પણ ઝેરી બની રહી છે. છેલ્લાં ત્રણેક દિવસથી અમદાવાદ શહેરની હવા અશુદ્ધ બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શ્વાસ-અસ્થમાના દર્દીઓ માટે જોખમી વાતાવરણ બની રહ્યું છે. ગુરુવારે (24 જાન્યુઆરી) વહેલી સવારે વાયુ પ્રદુષણ એટલી હદે બગડ્યું કે, એર કવોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો હતો. નોંધનીય છે કે, બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેક 173 સુધી પહોંચ્યો હતો. આમ, વાયુ પ્રદૂષણને નાથવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય અમદાવાદીઓને શુદ્ધ હવા મળી શકે તેમ નથી.

