
Ahmedabad News: રાજ્યની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અપાતા પુસ્તકોનો અભાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાંથી સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પુસ્તકો ભરેલી ટ્રક ઝડપાઈ છે. આ ટ્રક આપ (AAP) અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઝડપી પાડ્યો છે. હાલ આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, અસારવાની એક શાળામાંથી રાજ્ય સરકારના નવા પુસ્તકો ટ્રક મારફતે બીજા રાજ્યમાં સગેવગે કરાતા હોવાની કૌભાંડનો પર્દાફાશ થયો છે. આપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ પસ્તીમાં જતા વિવિધ ધોરણના પુસ્તકો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ જ્યારે આ મામલે ટ્રકચાલકની પૂછપરછ કરી તો તેમણે ગોળ-ગોળ જવાબ આપ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પુસ્તકો ભરેલ ટ્રક પંજાબ જઈ રહી છે અને કેટલાક શખસો દ્વારા ત્યાંના કોઈ ભંગારના ગોડાઉનમાં નવા પુસ્તકો પસ્તીમાં આપવાની હતી. સમગ્ર મામલે કોંગ્રેસ કાર્યકર્તાએ ટ્રક ઝડપી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
માલપુરના ભંગારમાંથી સરકારી પુસ્તકોનો જથ્થો ઝડપાયો હતો
ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લામાં માલપુરના એક ભંગારના વેપારીને ત્યાથી ધોરણ 1થી 8ના 5000 સરકારી પાઠ્ય પુસ્તકનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદી કર્યો હોવાનું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ મામલે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દેવામાં આવી છે અને રિપોર્ટ કરવામાં આવ્યો છે.'
પુસ્તકો મળવાનો મામલો કોંગ્રેસ પ્રવક્તા ડો મનીષ દોશીનું નિવેદન
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે, પસ્તીમાં જતા પુસ્તકો અસારવા કોંગ્રેસના નેતા ધીરેન્દ્ર પાંડેએ ઝડપ્યા હતા. મફત પુસ્તકો આપવાની સરકારની યોજના છે. અગાઉ પણ આ પ્રકારના પુસ્તકો રાજ્યના વિવિધ શહેરોમાંથી ઝડપાયા છે. શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બાળકોને આપવામાં આવતા મફત પુસ્તકો પસ્તીમાં જાય તે ખૂબ ગંભીર બાબત કહેવાય.
રાજ્યમાં બે પ્રકારના કૌભાંડ ચાલે છે
1. સરકારી અનાજ ગોડાઉનમાંથી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યું છે
2. મફત પુસ્તક યોજનાના પુસ્તકો બારોબાર પસ્તીમાં સેગવગે કરવામાં આવી રહ્યા છે
શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકારના આશીર્વાદથી ચાલતું હોય તેમ લાગે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ છે.