અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોના આતંકથી લોકો ત્રસ્ત બન્યા છે. ગામની શેરીઓમાં છ કરતાં વધુ સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું છે. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. સિંહોના ટોળાને જોઈને પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. સિંહે એક નાના પશુનો શિકાર કર્યો હતો, જ્યારે અન્ય પશુઓ જીવ બચાવીને ભાગી ગયા હતા.
જણાવી દઈએ કે, છેલ્લા 15 દિવસથી સિંહો રોજ એક-બે પશુઓનો શિકાર કરી રહ્યા છે. રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘના જણાવ્યા મુજબ, સિંહોના આ આતંકથી રાત્રે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ઘણીવાર લોકોને બાઇક મૂકીને ભાગવું પડે છે. ગામની સુરક્ષા માટે રાખવામાં આવેલા ત્રણ કર્મચારીઓને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક સરપંચે DCF, કલેક્ટર અને વનમંત્રી મુળુભાઈ બેરા સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ કારણે વનવિભાગના અધિકારીઓ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.