મહેસાણા: કડી નગરપાલિકાનો માનવતાને શર્માસાર કરી મુકે એક એવી કામગીરીનો વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે ઘટના કંઈક એવી છે કે, કડી નજીક બાવલું નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેને લાવવા માટે નગરપાલિકા એક શબવાહિનીની વ્યવસ્થા પણ ન કરી શકી. કરી પણ કેવી રીતે શકે? 6 મહિના પહેલા ભંગાર થઈ ગયેલી શબવાહિનીને સ્ક્રેપમાં મોકલી આપીને તેનો નિકાલ કરી દેવાયો હતો, ત્યારબાદ આજે ગંભીર બેદરકારીભર્યો વીડિયો વાયરલ થયા બાદ નગરપાલિકાને યાદ આવ્યું કે શબવાહિનીની દરખાસ્ત મુકવાની છે.
ઘટનાની પુષ્ટિ કરવા માટે અમે સીધી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, અને તેમણે આ ગંભીર બેદરકારીની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી આ પ્રકારની બેદરકારી ના થાય એની તકેદારી રાખવા સાથે કર્મચારીઓને આ ભૂલ બદલ ઠપકો પણ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
આ વીડિયો જોઈને સ્થાનિકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. ઘરેઘરે જઈને કચરો ઉઘરાવતી કચરાની ગાડી હવે કેનાલ પરથી મૃતદેહ પણ લઈને આવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ તો મૃતદેહને કડી કુંડાળ હોસ્પિટલ ખાતે પી.એમ માટે લઈ જવાયો હતો. પરંતુ હવે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, જે રીતે ભંગાર શબવાહિનીનો નિકાલ કરાયો, એ રીતે કેનાલમાંથી મળેલા મૃતદેહને પણ કચરો સમજીને જેમ તેમ કરીને કચરાની ગાડીમાં નાખીને લાવવાથી તે કામનો પણ નિકાલ થઈ ગયો. અન્ય કોઈ વાહનની વ્યવસ્થા નહોતી તો એમ્બ્યુલન્ય મોકલી શકાતી હતી કે અન્ય કોઈ સાધનની વ્યવસ્થા કરીને મોકલી અપાતું હતું, મૃતદેહને લઈ આવવામાં વળી કેવી અને શેની અર્જન્સી હશે એ તો ભગવાન જાણે..