
સુરતના પુણા વિસ્તારમાં વર્ષ 2019માં બનેલી બાળકના અપહરણની ઘટના આજે ફરી ચર્ચામાં આવી છે. આ કેસમાં દોષિત ઠરેલો કેદી દીપક માંગીલાલ માલી છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો. હવે સુરત ક્રાઈમ બ્રાંચે તેને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના હવામહેલ વિસ્તારમાંથી પકડી પાડી લીધો છે.પ્રાપ્ત વિગતો મુજબ, દીપક માલી નામના આરોપીએ 2019માં સુરતના પુણા વિસ્તારમાંથી 2 વર્ષના બાળકનું ચોકલેટ આપવાની લાલચ આપી અપહરણ કર્યું હતું.
કોરોનાકાળમાં જામીન લઈને ગયા બાદ પરત ન ફર્યો
આરોપી બાળકને અજાણ્યા સ્થળે લઈ ગયો હતો, જો કે પુણા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બાળકને બચાવી લીધો હતો અને આરોપીને ઝડપી પાડ્યો હતો.આ મામલે આરોપીને લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં કોરોના મહામારી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ શરતો હેઠળ આપવામાં આવતા જામીનનો લાભ લઈને દીપક માલી જેલ બહાર આવ્યો હતો. પણ જામીન બાદ તે જેલમાં હાજર ન થયો અને પોલીસની નજરમાંથી બાજુ ચોરી ફરાર થઈ ગયો હતો.
ઠેકાણા બદલીને નાસતો ફરતો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા પાંચ વર્ષથી વિવિધ જગ્યાએ ઠેકાણા બદલીને નાસતો ફરતો હતો. આરોપીને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે સતત રેડ પાડતી રહી. અંતે ચોક્કસ માહિતીના આધારે પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં તપાસ ચલાવી અને આરોપીને હવામહેલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો.હવે સુરત પોલીસ આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે અને તેની પુછપરછ શરૂ કરી છે કે આ પાંચ વર્ષ દરમિયાન તે ક્યાં રહ્યો અને કઈ રીતે ફરાર રહેવામાં સફળ રહ્યો.