
રાજસ્થાનના જાંબુડી ગામ નજીક એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારનો આ પરિવાર રાજસ્થાનના માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે આ બનાવ બન્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આક્રમણમાં કારના આગળના અને સાઇડના કાચ તૂટી ગયા, તેમજ પાછળનું ટાયર ફાટી જતાં પરિવારે જીવ બચાવવા ત્રણ પૈડાં પર કાર ભગાવી હતી.
અંબાજી સુધી કાર લઈને આવ્યા
જીવ બચાવવા ભાગી રહેલા પરિવારના મોભીએ કારને દોડાવી હતી. મળતા અહેવાલ પ્રમાણે મોબાઈલ નેટવર્ક ન મળતાં તેઓ અંબાજી સુધી કાર લઈને આવ્યા. આ દરમિયાન, સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર વાગવાથી ગંભીર ઈજા થઈ, અને તેને તાત્કાલિક અંબાજીની આધ્યશક્તિ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.