
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. આ દરમિયાન પાકિસ્તાને વધુ એક નાપાક હરકત કરી છે. ભારત-પાકિસ્તાન બોર્ડરે એક BSF સૈનિક ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાનની હદમાં પહોંચી જતાં તેને ઝડપી લીધો છે. આ ઘટના ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન સરહદે બની છે. જ્યાં BSF જવાન ભૂલથી ઝીરો સેન્ટર (શૂન્ય રેખા) પાર કરી ગયો. આ પછી પાકિસ્તાની રેન્જર્સ જવાનને કસ્ટડીમાં લઈ ગયા છે.
બીએસએફ જવાન કાંટાળા તારની બીજી બાજુ 'નો મેન્સ લેન્ડ'માં પાક લણતા ખેડૂતો પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન પાક રેન્જર્સે તેમને કસ્ટડીમાં લઈ લીધા. જણાવી દઈએ કે ખેડૂતોને ઝીરો સેન્ટર પહેલા આ વિસ્તારમાં ખેતી કરવાની છૂટ છે. જોકે, પાકની વાવણી અને લણણી દરમિયાન BSF jawan ખેડૂતો સાથે રહેતા હોય છે. તેમને ખેડૂત રક્ષકો પણ કહેવામાં આવે છે.
સરહદ પર કાંટાળી તારની વાડ બોર્ડર રેખા- શૂન્ય રેખાથી ઘણા પહેલા લગાવવામાં આવે છે અને ઝીરો લાઈન ઉપર ફક્ત થાંભલાઓ જ લગાવવામાં આવે છે. રિપોર્ટ મુજબ ગરમી વધારે હોવાને પગલે સૈનિક ઝીરો રેખા ક્રોસ કરીને પાકિસ્તાન સરહદમાં આવેલા ઝાડના છાંયે બેઠા હતા. આ દરમિયાન પાકિસ્તાની રેન્જર્સે તેને જોઈ લેતા તે બીએસએફ ચેકપોસ્ટ પર પહોંચીને સૈનિકને કસ્ટડીમાં લઈ તેનું હથિયાર જપ્ત કર્યું. જોકે, બીએસએફના અધિકારીઓ સરહદ પર પહોંચી ગયા છે અને સૈનિકને મુક્ત કરવા માટે સરહદ પર મોડી રાત સુધી પાકિસ્તાન રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ ચાલુ રહી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે ખેડૂતો કમ્બાઈન હાર્વેસ્ટર સાથે ફેન્સિંગ પાસે લાગેલા ગેટ નંબર 208/1ના રસ્તે ખેતરોમાંથી ઘઉં કાપવા ગયા હતા. ખેડૂતોનું ધ્યાન રાખવા માટે બે BSF જવાન પણ તેમની સાથે હતા. આ સમય દરમિયાન સૈનિક ભૂલથી સરહદ પાર કરી ગયા હતા. જોકે, BSF દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને ફ્લેગ મીટિંગ હજુ પણ ચાલુ છે.
ભારતે લીધા મોટા નિર્ણયો
આતંકવાદી હુમલા પછી બુધવારે પીએમ મોદીના નિવાસસ્થાને સીસીએસની બેઠક યોજાઈ હતી. આમાં કઠિન નિર્ણયો લેવામાં આવ્યા. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. આ સાથે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા પણ રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતમાં પાકિસ્તાની દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.