
ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત રાજ્યભરમાંથી અક્સ્માતની ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં ફરી ગુજરાતમાં ત્રણ સ્થળો પરથી ગંભીર અક્સ્માતની ઘટના સામે આવી છે જેમાં કુલ ત્રણ લોકોના મોત થયાં છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.
રાજકોટમાં ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર રોડ નેશનલ હાઇવે અને મોટા ગુંદાળા નજીક અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના જેતપુર રોડ પર નેશનલ હાઇવે અને મોટાં ગુંદાળા નજીક કારને ઠોકર મારી અજાણ્યો ડમ્પર રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટનાના સાક્ષીએ જાણાવ્યું હતું કે, ધોરાજીથી રાજકોટ તરફ કાર જતી હતી ત્યારે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે કારને ઠોકર મારી હતી. અને ગંભીર અકસ્માત સર્જયો હોવાની જાણ થતાં ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડોદરામાં બાઈક સવાર બે યુવકોના મોત
વડોદરામાં વાઘોડિયા ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. વડોદરા શહેરમાં હાઇવે પર તક્ષ ગેલેક્સી મોલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યાં હતા. અજાણ્યા વાહનના અડફેટે આવી જતાં બાઈક પર સવાર યુવાનો મોતને ભેટ્યાં હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં બસ અને બાઈક વચ્ચે અકસ્માત
મહેસાણા જિલ્લામાં વિસનગર-ગાંધીનગર હાઇવે પર ગોજારીયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું તેમજ અન્ય એક ઘાયલ થયો હતો. મળતી માહિતી પ્રમાણે, અંબાજી-જામનગર એસટી બસચાલકે અકસ્માત સર્જ્યો હતો.