
મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ એક્ઝામ (NEET) દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ફરી મેદાન માર્યું છે. ઓલ ઈન્ડિયા રેન્કમાં સુરતના બે વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જેમાં ઓલ ઈન્ડિયા 6 રેન્ક જેનિલ વિનોદભાઈ ભાયાણી અને મૌલિક ભલગામિયાએ ઓલ ઈન્ડિયામાં 71મો રેન્ક મેળવ્યો છે. ટોપર વિદ્યાર્થીઓએ એઈમ્સ દિલ્હીમાં MBBS કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
રોજની મહેનતે અપાવી સફળતા-જેનિલ
અબ્રામા ખાતે આવેલી પી.પી.સવાણી શાળામાં અભ્યાસ કરતાં જેનિલ વિનોદભાઈ ભાયાણીએ સમગ્ર ભારતમાં છઠ્ઠો તથા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર ભારતમાં સુરતનું તથા પી.પી.સવાણીનું નામ રોશન કર્યું હતું. આ તબક્કે પી.પી.સવાણી ગૃપના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ તેમને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. જેનિલે કહ્યું કે હું કોઈ જ ટ્યુશન વગર રોજે રોજની મહેનત કરતો હતો. જેના કારણે આ સફળતા મળી છે. આગામી સમયમાં એમબીબીએસ દિલ્હી એઈમ્સમાંથી કરવા ઈચ્છું છું.
જેનિલે નીટની સાથે જેઈઈની તૈયારી કરી
જેનિલે કહ્યું કે, મેં 9માં ધોરણથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમારી શાળામાં પહેલેથી જ નીટ અને જેઈઈની તૈયારી કરાવવામાં આવતી હતી. ફાઉન્ડેશનની તૈયારીઓ પહેલેથી જ કરતો હતો. મમ્મી પપ્પા બન્ને વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ છે. જેથી તેઓ પણ સતત મોટિવેટ કરતાં હતાં. શાળા દ્વારા પણ તૈયારીઓ કરાવવામાં આવતી હતી. મેં ભૂલો થાય તો તેની પણ અલગ બૂક બનાવી હતી. જેથી ફરી ભૂલ ન થાય. સમગ્ર અભ્યાસ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ખપ પૂરતો કર્યો હતો. સાથે જ ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ નહોતો કર્યો. મેં નીટની સાથે જેઈઈની પણ તૈયારીઓ કરી હતી. જેઈઈમાં પણ 99.99 મેળવ્યાં હતાં. જ્યારે નીટમાં 680 માર્ક મેળવીને સફળતા હાંસલ કરી છે. માત્ર 3 સવાલ જ ખોટા પડવા અંગે જેનિલે કહ્યું કે, કદાચ વધારે ધ્યાન આપ્યું હોત તો પ્રથમ નંબર પણ મળ્યો હોત. ધોરણ 10માં 96 અને ધોરણ 12માં 97થી વધુ ટકા મેળવ્યાં છે.
પિતાના પગલે દીકરો ડોક્ટર બનશે
એલનમાં અભ્યાસ કરતાં મૌલિક ભલગામિયાએ કહ્યું કે મેં રોજની આઠ કલાક જેવી તૈયારી કરી હતી. આ તૈયારીના ભાગરૂપે આ સફળતા પ્રાપ્ત થઈ છે. પિતા ડો. ખીમજી ભલગામિયા પણ મદદરૂપ થતાં હતાં. મેં આ સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ જ સ્ટ્રેસ લીધો નહોતો. હંમેશા એન્જોય કરતાં કરતાં જ તૈયારી કરી હતી. રોજે રોજ ટાર્ગેટ રાખતો હતો. ટાર્ગેટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સૂતો પણ નહી. નીટ ક્રેક કરવા માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવી હતી. એનસીઈઆરટી સિલેબસ પર પૂર્ણ ફોક્સ કર્યું હતું.નેહચલસિંહ હંસપાલે કહ્યું કે, અમારા વિદ્યાર્થીએ ટોપ 71મું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અથાક મહેનતના કારણે આ સફળતા તેમને પ્રાપ્ત થઈ છે. આ વખતે પેપર થોડા લેન્ધી હતાં. અધરાં હતાં. તેમ છતાં વિદ્યાર્થીઓને આ સફળતા પ્રાપ્ત થઈ તેમાં તેમની મહેનત જવાબદાર છે.