
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં દડી કોલોની વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેમઝોન પર એ ડિવિઝન પોલીસે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા પોલીસની પેટ્રોલિંગ દરમિયાન આ ગેમઝોન શંકાસ્પદ લાગ્યું હતું. જેથી તપાસમાં જાણવા મળ્યું કે ગેમઝોના સંચાલક અતૂલ કૃપાશંકર શર્મા પાસે કોઈ કાયદેસરનો પરવાનો નથી. આ ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો પણ અપૂરતા હતા. જેથી તેઓની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા શહેરમાં આવેલા જાણીતા દડી કોલોની વિસ્તારમાં પોલીસના દરોડામાં સંચાલક પાસે લાયસન્સ અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો ન હોવાથી સંચાલક સામે પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ના નિયમ 33(1), BNS અધિનિયમની કલમ 125 અને જી.પી.એક્ટ કલમ 131 હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આવા ગેરકાયદે ગેમઝોન લોકોના જીવન માટે જોખમરૂપ છે. રાજકોટના ગેમઝોન ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં આવા સ્થળોની તપાસ થઈ રહી છે. ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ આ ગેરકાયદે ગેમઝોનથી અજાણ હતી કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન પણ ઉઠ્યો છે.