Home / Gujarat / Rajkot : Dhoraji court sentences 20 years to the accused and the victim's mother in the rape case

Dhoraji news: દુષ્કર્મ કેસમાં આરોપી અને પીડિતાની માતાને 20 વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટ

Dhoraji news: દુષ્કર્મ કેસમાં આરોપી અને પીડિતાની માતાને 20 વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટ

Dhoraji news: રાજકોટ જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના નોંધાયેલ દુષ્કર્મ કેસમાં આરોપી પીયૂષ કિશોરભાઈ પટેલને તથા ભોગ બનનારની માતાને મદદગારી કરવા માટે 20 વર્ષની સજા ધોરાજી કોર્ટે ફટકારી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બનાવની વિગત એવી છે કે, ભોગ બનનારની ફોઈએ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવેલી હતી કે, ફોઈના ઘરે પિતૃકાર્ય હતું ત્યારે ભોગ બનનાર તેને ત્યાં આવેલી હતી. આ સમયે ભોગ બનનાર ગુમસુમ રહેતી હતી તેથી ભોગ બનનારને પૂછતા તેણીએ જણાવેલું હતું કે, ભોગ બનનારની માતા તેણીને ધરારથી મોબાઇલની દુકાન ધરાવતા પીયૂષ કિશોરભાઈ પટેલ પાસે મોકલે છે અને આ આરોપી પીયૂષ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરે છે તે પિયુષ એચઆઈવીગ્રસ્ત છે, અને ભોગ બનનારની માતા આ કૃતિઓ માટે પીયૂષ પાસેથી પૈસા પણ લે છે. તત્કાલીન પીએસઆઇ દર્શકભાઈ મજીઠિયાએ ફરિયાદ નોંધી અને તપાસ કરી ચાર્જશીટ કરેલું હતું. આરોપી પીયૂષ કિશોરભાઈ વિરુદ્ધની સગીર વયની દીકરી સાથે વારંવાર શરીર સંબંધ બાંધવા અંગે પોકસો એક્ટની મુજબ ગુનો નોંધાયેલ તથા બીએનએસ મુજબ ગુનો નોંધાયેલ જ્યારે ભોગ બનનારની માતા (ભોગ બનનારની ઓળખ છતી ન થાય એટલે તેનું નામ લખી શકાય નહીં) વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ ચાર્જશીટ કરેલું હતું અને તે મુજબ ચાર્જ ફરમાવવામાં આવેલો હતો. 

ધોરાજી કોર્ટનો મહત્વનો ચુકાદો

ત્યારબાદ ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સ્પેશિયલ પોકસો જજ અલીહુસેન શેખ સમક્ષ આખો કેસ ચાલેલો હતો. આ ટ્રાયલ દરમિયાન બે તટસ્થ સાક્ષી રવિભાઈ રામોલિયા તથા કરણસિંહ ચુડાસમાએ જાગૃત નાગરિક તરીકે ભોગ બનનારને તેની માતા આરોપી પીયૂષ સાથે મોકલતી હતી તેના વીડિયો ઉતારેલા હતા તે રજૂ કરેલા હતા. તપાસ કરનાર અધિકારી દર્શકભાઈ મજેઠિયા એ તમામ પુરાવાઓ એકત્ર કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલેલા હતા. આરોપી પીયૂષ એચઆઇવીગ્રસ્ત છે તેના પણ દસ્તાવેજો મેળવેલા હતા. ભોગ બનનારની જન્મ તારીખ અંગેના આધારો પણ મેળવેલા હતા. નામદાર અદાલત સમક્ષ આ તમામ પુરાવાઓ રજૂ થયેલા હતા, આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવેલો હતો કે ભોગ બનનારની માતા અને ભોગ બનનારના પિતાને વૈવાહિક જીવનમાં તકરાર ચાલે છે, અને ભોગ બનનારની માતા આરોપી પીયૂષ મોબાઈલનો વેપાર કરે છે તેની પાસે જાય તે તેના પિતાને ગમતું નથી એટલે આ ખોટી ફરિયાદ કરી અને ભોગ બનનાર મારફતે ખોટી રીતે છૂટાછેડા મેળવવા જેવો પ્રયત્ન કરી રહ્યા છે. આ બનાવના કોઈ નજરે જોનાર સાક્ષી પણ નથી.

સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે દલીલો કરેલી હતી કે, ભોગ બનનાર માત્ર 13 વર્ષ જેવી ઉંમરના છે, તેની માતા તેની કુદરતી વાલી તો છે જ સાથે સાથે ભોગ બનનારના રક્ષણ અને સંરક્ષણની જવાબદારી પણ તેની માતાની છે તે આવું અધમ કૃત્ય થઈ રહ્યું હોય તેમાં ભોગ બનનારને રક્ષણ આપવાના બદલે આરોપીને મદદ કરે તે હળવાશથી લઈ શકાય નહીં અને મેડિકલ એવિડન્સ તથા ભોગ બનનારની જુબાનીથી બનાવ નક્કર રીતે પુરવાર છે. બે સાક્ષીઓ કે જેમણે મોબાઈલની ક્લિપ રજૂ કરી છે અને ભોગ બનનારને આરોપી પીયૂષ મોટરસાયકલમાં લઈ જઈ રહ્યો છે તે ક્લિપ જોવામાં આવે તો પણ ભોગ બનનારના કથનને સમર્થન મળી રહ્યું છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ. 

બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલના શેખે ભોગ બનનારની માતાને ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટના ગુનામાંથી મુક્ત કરેલા હતા. જ્યારે પોક્સો એકટ તથા બીએનએસની કલમ મુજબ આરોપી પીયૂષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ વારંવાર કરવા બદલ 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકાર્યો હતો. તથા ભોગ બનનારની માતાને આવા કૃત્યમાં મદદગારી કરવા અને ગુનાનું દુષ્પ્રેરણ કરવા માટે 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકાર્યો હતો.

Related News

Icon