
છોટાઉદેપુરના સંખેડાના નાયબ મામલતદાર સનદ રાઠવા વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સંખેડા બાર એસોસિએશન દ્વારા રવિવારના રોજ અખંડ ઠરાવ પાસ કરીને અધિકારી વિરુદ્ધ કાર્યવાહી તથા બદલીની માંગ કરવામાં આવી છે.
સર્ટિફિકેટ માટે રૂપિયા મગાતા હતા
સંખેડામાં આવક અને જાતિના દાખલા જેવી અરજી પ્રક્રિયામાં નાયબ મામલતદાર સનદ રાઠવા દ્વારા ફી સિવાય પણ રૂ. 500 જેટલા રૂપિયા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ બાર એસોસિએશનના વકીલોએ કર્યો છે. EWS (આર્થિક રીતે નબળા વર્ગ) સર્ટિફિકેટ માટે રૂ. 8000 સુધીની રકમ લાંચ રૂપે લેવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ઠરાવમાં એવું પણ જણાવાયું છે કે, ડિસેમ્બર 2022માં ACB દ્વારા સનદ રાઠવા વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમની આર્ટિગા ગાડીમાંથી અંદાજે 20 થી 25 લાખ રૂપિયા મળ્યા હોવાનું જણાયું છે.
ઠરાવની મુખ્ય માંગણીઓ
સંખેડા બાર એસોસિએશનના તમામ વકીલો દ્વારા ઠરાવ પાસ કરીને સનદ રાઠવાની તાત્કાલિક બદલી કરવામાં આવે અને તેઓ વિરુદ્ધ તપાસને આગળ ધપાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. વકીલોએ જણાવ્યું કે, નાયબ મામલતદારના વ્યવહારને કારણે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થી વર્ગને વધારે ભોગવવું પડી રહ્યું છે. જનતા માટે ન્યાયસંગત અને પારદર્શક કામગીરી જરૂરી છે.