
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરીઝની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીથી રમાશે. ભારતીય ટીમ ત્રણ વન ડે મેચની સિરીઝ રમશે. વન ડે સિરીઝમાં ભારતના દિગ્ગજ વિરાટ કોહલી ઇતિહાસ રચવાની નજીક છે. વન ડે સિરીઝમાં વિરાટ કોહલી માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરના એક વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક છે. મહત્ત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીએ વન ડેમાં અત્યાર સુધી 295 મેચમાં 13906 રન બનાવ્યા છે.હવે કોહલી પાસે 14000 વન ડે રન પુરા કરવાની તક છે, તેના માટે વિરાટ કોહલીએ વધુ 94 રન બનાવવા પડશે.
સચિનના નામે છે રેકોર્ડ
વન ડેમાં સૌથી ઝડપી 14000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 350 ઇનિંગમાં 14000 વન ડે રન પૂર્ણ કર્યા હતા. વિરાટ કોહલી જો વન ડે સિરીઝમાં 94 રન બનાવવામાં સફળ થાય છે તો તે વન ડેમાં સૌથી ઝડપી 14000 રન પુરા કરનાર બેટ્સમેન બની જશે અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાખશે.
વન ડેમાં સૌથી ઝડપી 14000 રન બનાવનાર બેટ્સમેન
સચિન તેંડુલકર- 350 ઇનિંગ (પાકિસ્તાન વિરૂદ્ધ પેશાવર, ફેબ્રુઆરી 2006)
કુમાર સંગાકારા-378 ઇનિંગ (ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડની, માર્ચ 2015)
વિરાટ કોહલીના અત્યાર સુધીના વન ડે કરિયરની વાત કરીએ તો કિંગ કોહલીએ 295 મેચની 283 ઇનિંગમાં બેટિંગ કરતા 13906 રન બનાવ્યા છે. વન ડેમાં કિંગ કોહલીના નામે 50 સદી અને 72 અડધી સદી છે. વન ડેમાં કોહલીએ 58.18ની એવરેજ સાથે રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ 93.54નો રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોહલી ફોર્મમાં નથી.
મહત્ત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ સામે વન ડે સિરીઝ બાદ વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમવાનો છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી થશે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ રમીને કરશે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન ડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા