
સુરત શહેરના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૈકીના સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ માટેની કામગીરી હાલ પ્રારંભિક તબક્કામાં છે. રેલવે સ્ટેશન સહિત એસટી બસ, મેટ્રો અને બીઆરટીએસ સહિતના માસ ટ્રાન્સપોર્ટેશનને એકીકૃત કરવા માટે હાથ ધરાયેલા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે જરૂરી જમીન સંપાદન પ્રક્રિયા હાલ પુરજોશમાં ચાલી રહી છે. તેમાં અગાઉ તો બે ટુકડે જમીન સંપાદન કરાઈ હતી. એસટી બસ પાસે આપ-લે પણ કરાઈ હતી. જો કે, હવે આ પ્રોજેક્ટ અંતર્ગત વધુ 1245 ચો.મી. જમીન સંપાદન કરવાની તૈયારી કરાઈ છે.
અસંમતિ દર્શાવાઈ
વરાછા ઝોનમાં આ પ્રોજેક્ટ અંતર્ગત એલિવેટેડ રોડ બનાવવાની કામગીરી માટે જુદી જુદી જગ્યાઓ મળીને કુલ 1245 ચો.મી. જમીન પર કાચાં પાકાં મકાનો, કોમર્શિયલ બાંધકામો આવેલાં છે. જે માટે મિલકતદારો સાથે વાટાઘાટો કરાઈ હતી. પરંતુ તેઓ જમીન આપવા અસંમતિ દર્શાવતાં મનપા દ્વારા આ જગ્યાનું ફરજિયાત સંપાદન કરવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે.
તમામ સુવિધા એક સ્થળે થશે
જો કે, હવે આ પ્રોજેક્ટ માટે ધીમીધારે કામગીરી શરૂ થઈ ગઈ છે. રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારના રિ-ડેવલપમેન્ટ માટે એમએમટીએચ પ્રોજેક્ટ (મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ) હેઠળ રેલવેથી માંડીને એસટી બસ અને સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ એક જ સ્થળેથી મુસાફરોને મળી રહે એ માટે હાથ ધરવામાં આવેલી સંકલિત આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન મેવવાનો પ્રશ્ન સૌથી પેચીદો બન્યો છે.દાયકાઓથી વસવાટ અને વેપાર-ધંધો કરી રહેલા નાગરિકોની મિલકતનો ભોગ લેવાય તેમ હોવાથી હવે આખરે કાયદાના જોરે આ મિલકતોની જમીન લેવાની તૈયારી કરાઈ છે.