
Pahalgam terror Attack પછી ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પછી એવા ઘણા લોકોની વાર્તાઓ મીડિયામાં સામે આવી રહી છે, જેઓ દાયકાઓથી ભારતમાં રહે છે, પરંતુ તેમને દેશ છોડવાની નોટિસ મળી છે.
આવી જ એક વાર્તા છે ઓડિશાના બાલાસોર જિલ્લાના સોરોની રહેવાસી 72 વર્ષની રઝિયા સુલ્તાનાની. રઝિયા સુલ્તાનાએ ભારત સરકારને મદદની વિનંતી કરી છે. તે કહે છે, “જો અમે કંઈ ખોટું કર્યું હોય, તો સરકાર અમને ગોળી મારી દે, પરંતુ અમને દેશમાંથી બહાર ન કાઢે.”
અહેવાલ અનુસાર રઝિયા 4 વર્ષની ઉંમરથી ભારતમાં રહે છે. રઝિયાની તબિયત પણ નાદુરસ્ત છે અને તેઓ કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે. 10 મેના રોજ તેમને ભુવનેશ્વરમાં ડોક્ટર પાસે જવાનું છે. રઝિયાના પરિવારે કેન્દ્ર સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને તેમને મોકલવામાં આવેલી નોટિસ પાછી ખેંચવાની અપીલ કરી છે.
બિહારના હતા પિતા, બાંગ્લાદેશથી પાકિસ્તાન ગયા
રઝિયાના પિતા હૈદર અલી મૂળ બિહારના રહેવાસી હતા. દેશના ભાગલા પછી તેઓ બાંગ્લાદેશ અને ત્યાંથી પાકિસ્તાન ગયા હતા. 1953માં રઝિયા સુલ્તાનાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેના 4 વર્ષ પછી તેમના પિતા હૈદર અલી ભારત પાછા ફર્યા હતા. ત્યારથી રઝિયા ભારતમાં જ રહે છે. રઝિયાના લગ્ન સોરોના રહેવાસી શેખ શમસુદ્દીન સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ છે. 2023માં તેમના પતિનું અવસાન થયું હતું.
https://twitter.com/PTI_News/status/1916701014822096993
શારદા કુકરેજાએ પણ વડા પ્રધાન મોદી અને ઓડિશાના CMને અપીલ કરી
પાકિસ્તાનમાં જન્મેલી શારદા કુકરેજાએ વડા પ્રધાન મોદી અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીને અપીલ કરી હતી કે તેઓ તેમને તેમના પરિવારથી અલગ ન કરે. કારણ કે શારદા કુકરેજાનું નામ પણ તે પાકિસ્તાની નાગરિકોમાં સામેલ છે જેમને સરકારના આદેશ પર સ્થાનિક પોલીસે દેશ છોડવાની નોટિસ આપી હતી. 53 વર્ષીય શારદાએ 35 વર્ષ પહેલાં એક ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી તે ભારતમાં રહે છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુક્કુર શહેરમાં જન્મેલી શારદાને પાકિસ્તાનમાં બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. અને ત્યાંના એક આધેડ મુસ્લિમ પુરુષ સાથે તેના લગ્ન કરવા મજબૂર કરવામાં આવી હતી. આનાથી બચવા માટે, શારદાના પિતા પરિવાર સાથે ભારત ભાગીને આવ્યા હતા. અહીં મહેશ કુમાર કુકરેજા નામના વ્યક્તિ સાથે તેના લગ્ન કર્યા અને પછી ઓડિશાના બોલાંગીર જિલ્લામાં રહેવા લાગી. આ દંપતીને એક દીકરો અને એક દીકરી છે અને બંને પરિણીત છે.
શારદાએ જણાવ્યું કે તે અને તેનો આખો પરિવાર 1987માં 60 દિવસના વિઝા પર ભારત આવ્યા હતા. અહીં અમે પહેલા ઓડિશાના કોરાપુટ આવ્યા, પછી મારા લગ્ન થયા અને બોલાંગીર આવ્યા, જ્યારે મારા લગ્ન 1990 માં થયા, ત્યારે હું ફક્ત 18 વર્ષની હતી. હું લગભગ 35 વર્ષથી મારા સુખી પરિવાર સાથે બોલાંગીરમાં રહું છું.
શારદાએ કહ્યું કે અમે પાકિસ્તાનથી ભાગી ગયા હતા. કારણ કે ત્યાં અમને અમારો ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડવામાં આવી હતી. હું, મારી ચાર બહેનો અને પાંચ ભાઈઓ આજે ભારતમાં ખુશીથી અમારું જીવન જીવી રહ્યા છીએ. તે બધાના લગ્ન અલગ અલગ જગ્યાએ થયા છે. શારદાના પરિવારના બધા સભ્યો ભારતીય છે. શારદા પાકિસ્તાની નાગરિકતા ધરાવે છે, તેથી તે તકનીકી રીતે પાકિસ્તાનની નાગરિક છે.
છેલ્લા 5 દિવસમાં 627 પાકિસ્તાનીઓ અટારી-વાઘા બોર્ડરથી ભારત છોડી ગયા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનીઓને તાત્કાલિક ભારતમાંથી પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, છેલ્લા 5 દિવસમાં ઓછામાં ઓછા 627 પાકિસ્તાનીઓ અટારી-વાઘા બોર્ડરથી ભારત છોડી ગયા છે. આમાં 9 રાજદ્વારીઓ અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સરકારે ટૂંકા ગાળાના વિઝા ધારકોની 12 શ્રેણીઓને તાત્કાલિક પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ જારી કર્યો હતો. સરકારે આપેલી સમયમર્યાદા રવિવારે જ પૂરી થઈ ગઈ.
હું મારા પતિને કોઈપણ કિંમતે છોડવા માંગતી નથી
ગુજરાંવાલાના સોની મસીહ સાથે લગ્ન કરનારી મારિયાને પણ દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંનેના લગ્ન ગયા વર્ષે થયા હતા અને29 વર્ષની મારિયા ગર્ભવતી છે. તેને હજુ સુધી લાંબા ગાળાના વિઝા મળ્યા ન હતા. મારિયાએ કહ્યું, હું મારા પતિને કોઈપણ કિંમતે છોડવા માંગતી નથી.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ, કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે ભારત છોડો નોટિસ જારી કરી હતી. આ પછી, અટારી-વાઘા બોર્ડરથી પણ મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ પાછા ફરવા લાગ્યા. રવિવારે પણ ઓછામાં ઓછા 237 લોકોએ સરહદ પાર કરી. આમાંથી ૧૧૫ લોકો પાકિસ્તાનથી ભારત પરત ફરી રહ્યા હતા.
રવિવારે, વિઝા ઓન અરાઇવલ, બિઝનેસ, ફિલ્મ, પત્રકાર, ટ્રાન્ઝિટ, કોન્ફરન્સ, પર્વતારોહણ, વિદ્યાર્થી, મુલાકાતી, જૂથ પ્રવાસી, યાત્રાળુ શ્રેણીઓ હેઠળ વિઝા ધરાવતા લોકો માટે દેશ છોડવાની અંતિમ તારીખ પણ સમાપ્ત થઈ ગઈ. પાકિસ્તાન હાઈ કમિશનમાં સેના, નૌકાદળ અને વાયુસેનાના સલાહકારોને દેશ છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.