
Trump-Zelenskyy Meet in Rome: ઈટાલીના પાટનગર રોમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ હતી. થોડા દિવસ અગાઉ વ્હાઇટ હાઉસમાં થયેલા વિવાદ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત રહી. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા અંગે ચર્ચા થઈ હશે.
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મહત્ત્વપૂર્ણ ચર્ચા
યુક્રેન તરફથી મળી રહેલી જાણકારી અનુસાર બંને નેતાઓ વચ્ચે શનિવારે વધુ એક બેઠક યોજાશે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકા સતત યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા હાંકલ કરી રહ્યું છે, એવામાં આ બેઠકમાં મોટા નિર્ણયો લેવાઈ શકે છે.
https://twitter.com/ANI/status/1915900674669244630
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ઝેલેન્સ્કી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં મીડિયાની હાજરીમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. અમેરિકાએ યુક્રેનની ઝાટકણી કાઢતા યુરોપના અનેક દેશો પણ નારાજ થયા હતા અને નાટોની ઈમરજન્સી બેઠક પણ યોજાઇ હતી.
https://twitter.com/FoxNews/status/1895534758156808252
કાશ્મીર અંગે ટ્રમ્પનું મોટું નિવેદન
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી હુમલાની નિંદાની સાથે આશા વ્યક્ત કરી છે કે ભારત અને પાકિસ્તાન પોતાની રીતે આ મુદ્દાનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું છે, કે 'આતંકવાદી હુમલો અત્યંત ખતરનાક હતો, કાશ્મીરમાં એક હજારથી પણ વધુ વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ છે, પણ આ તણાવ તો હંમેશાથી રહ્યો છે. બંને પોતાના સ્તર પર ઉકેલ લાવશે.'