છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ ડાંગ જિલ્લાના આહવામાં 10 ઇંચ અને વલસાડના કપરાડામાં 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. સાપુતારામાં પ્રવાસીઓ પણ વરસાદની મોજ માણવા પહોંચી ગયા છે.
છેલ્લા 24 કલાકમાં ડાંગમાં આહવામાં 10 ઇંચ વરસાદ
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગમાં આહવામાં 10 ઇંચ, વઘઈમાં 8 ઇંચ, સુબીરમાં 7.25 ઇંચ, અને સાપુતારામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ, નવસારીના વાંસદામાં 6.3 ઇંચ, ખેરગામમાં 4.8 ઇંચ, તાપીના ધોલવાણમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1થી 3 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.