
Mehsana News: મહેસાણાના વિસનગરમાં કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા એક વ્યક્તિ સાથે પરિચય કેળવી મદદની આજીજી કરીને લાખોની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના વિસનગરમાં રહેતા દિનેશભાઈ પટેલે વિસનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ સુરતના શખ્શોએ દિનેશ પટેલને છેતર્યા છે. પહેલા પરિચય કેળવી બાદમાં ઇન્કમટેક્સની રેડ થતા આર્થિક તકલીફ કહી પૈસા પડાવ્યા હતા. સમગ્ર મામલે વિસનગરના કાંસાના દિનેશ પટેલ સાથે છેતરપિંડીની ફરિયાદ થઈ છે.
દિનેશ પટેલ સાથે સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઇ અને કૌશિક પટેલે મિત્રતા કેળવી હતી. પોતાને ત્યાં ઇન્કમટેક્સની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા હોવાની વાત કરી હતી. એટલું નહીં વકીલને આપવાના પણ પૈસા નથી કહી રૂ.21.65 લાખ મેળવી લીધા. પૈસા આપવા ના પડે તે માટે બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી હતી. ચેક પણ આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવી દીધું. વળી ઠગાઇ બાકી હતી તો, ઋષભ રેડ્ડી નામના વ્યક્તિએ IASની ખોટી ઓળખ આપી 79,000 પડાવ્યા. આ સમગ્ર મામલે કુલ 4 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
1) પટેલ જયંતિભાઇ હરગોવનભાઇ રહે. સુરત, પિતા
2) પટેલ કૌશિકભાઇ જયંતિભાઇ રહે.સુરત, પુત્ર
3) શાહ અર્પિત પિયુષભાઇ રહે. અમદાવાદ
4) રૂષભ રેડ્ડી (IASની ખોટી ઓળખ આપનાર)
ફરિયાદીની હોટલમાં ઓળખાણ થઈ પછી મિત્રતા કેળવી
વિસનગરના કાંસા ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો ધંધો કરતા દિનેશભાઈ બાબુભાઈ પટેલની માલિકીનો કાંસા રોડ ઉપર મારુતિ પ્લાઝા માર્કેટ આવેલું છે. જેમાં તેઓની હોટલ હીલ ટોન તેમજ ઓફિસ આવેલી છે ઓગસ્ટ 2024માં તેઓની હોટલમાં સુરતના જયંતિ હરગોવનભાઈ પટેલ તેમના પરિવાર સાથે રોકાયા હતા ત્યારે તેઓની સાથે વિસનગરના વેપારીને ઓળખાણ થઈ હતી. ત્યારબાદ તેઓની જયંતિ પટેલ અને તેમના દીકરા કૌશિક સાથે ફોન ઉપર વાતચીત થઈ હતી, બંને પિતા પુત્ર તેમની ઓફિસે બેસવા માટે પણ આવતા તેઓની સાથે ઓળખાણ થઈ હતી.
ITની રેડ પડી છે અને વકીલ રોકવાના પૈસા નથી - આરોપી
તે દરમિયાન બંનેએ કહ્યું કે, અમારે ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે જેના લીધે તેઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને દેવામાં આવી ગયા છીએ. કેસ લડવા માટે વકીલોને પૈસા આપવાના હોય જરૂર છે તો મદદ કરો ને અમે સમયસર તમારા પૈસા ચૂકવી દઈશું તેવો વિશ્વાસ આપ્યો હતો. જેથી વિસનગરના વેપારીએ ભરોસો રાખીને તારીખ 10 જાન્યુઆરી સુધીમાં ટુકડે ટુકડે કુલ રૂપિયા 21.56 લાખ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ પિતા પુત્ર તેમની ઓફિસે આવ્યા અને ઇન્કમટેક્સની રેડના કેસમાં તેઓને ગાંધીનગર સચિવાલયમાં આઈએએસ અધિકારી ઋષભ રેડી મદદ કરતા હોવાનું જણાવીને ફોન ઉપર તેની સાથે વાત કરાવી હતી.
ત્રીજા શખ્સે નકલી IAS બની ફરિયાદીને વિશ્વાસમાં લીધા
જેથી ઋષભ નામના શખ્શે પોતે IAS અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપી બંને પિતા પુત્ર કેસ જીતી જશે અને તમારા પૈસા પરત આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જ્યારે સુરતના પિતા પુત્રએ તેમને ફેબ્રુઆરી મહિનામાં પૈસા પરત આપવાની વાત કરી હતી અને સમય થતા પૈસાની ઉઘરાણી કરતા બંનેએ વાયદા બતાવ્યા હતા. ત્યારબાદ તારીખ 13 માર્ચના રોજ પોતાના ભાગીદાર હોવાનું જણાવી શાહ અર્પિત પિયુષભાઈના નામનો રૂપિયા 25 લાખનો ચેક આપ્યો હતો, આ ચેક ક્લિયરિંગ માટે બેંકમાં રજૂ કરતા સ્ટોપ પેમેન્ટ કરાવતા પરત આવ્યો હતો.
2 વખત ચેક રિટર્ન થયા, બાદમાં આરોપીએ ક્હ્યું જે થાય તે કરી લો
પછી પિતા પુત્રએ તારીખ 21 માર્ચના રોજ કુરિયર મારફતે મોકલાવેલ રૂપિયા 19 લાખનો ચેક પણ અપૂરતા ભંડોળના સેરા સાથે પાછો ફર્યો હતો. જે અંગે વાત કરતા તેમણે તમારાથી થાય તે કરી લેજો, કયા પૈસા અને કઈ વાત? અમે કોઈથી ડરતા નથી તેમજ જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. તે વખતે ઋષભે પણ ફોન કરીને ઇન્કમટેક્સનો કેસ જીતી ગયા છે અને તેઓના રૂપિયા 500 કરોડ આરબીઆઈમાં પડેલ છે તેવું કહીને તેમણે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અલગ અલગ ટ્રાન્જેક્શનથી રૂપિયા 97,000 પડાવી લીધા હતા.