Canada Rathyatra : ભારતમાં તહેવારોની ઉજવણી તિથિ અને ચોઘડિયા મુજબ થાય છે, પરંતુ વિદેશમાં ભારતીય તહેવારોનું આયોજન સ્થાનિક તંત્રની મંજૂરી અને ખાસ કરીને સપ્તાહના અંતે (વીકએન્ડ) કરવામાં આવે છે. આ જ રીતે, ભારતમાં અષાઢી બીજે યોજાતી જગન્નાથ રથયાત્રા કેનેડાના ટોરેન્ટોમાં ગઈકાલે ભારે ધામધૂમથી ઊજવવામાં આવી હતી. ટોરેન્ટોના રસ્તાઓ પર નીકળેલી આ રથયાત્રામાં ભારતીયો અને વિદેશીઓ સહિત 20,000થી વધુ ભક્તો જોડાયા હતા. રથયાત્રાનું દોરડું ખેંચવા ભક્તોમાં પડાપડી જોવા મળી હતી, જેમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર હતી. આ ભવ્ય યાત્રા સાડા ચાર કિલોમીટરનું ભ્રમણ કરીને ટોરેન્ટો આઇલેન્ડ પર પહોંચી હતી.

