
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ, ભારતે સિંધુ જળ સંધિ બંધ કરવા અને પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવા સહિતના ઘણા કઠોર નિર્ણયો લીધા છે. આનાથી પાકિસ્તાન ગુસ્સે છે. આ સંદર્ભમાં, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આજે એક મહત્વપૂર્ણ સુરક્ષા બેઠક બોલાવી છે. આ બેઠક શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખો, મહત્વપૂર્ણ મંત્રીઓ, ટોચના નાગરિક અને લશ્કરી અધિકારીઓએ હાજરી આપી હતી.
પાકિસ્તાની મીડિયાએ શાહબાઝ સરકારને ટાંકીને કહ્યું છે કે જો ભારત પાકિસ્તાનના હિસ્સાના પાણીને રોકવાનો અથવા તેની દિશા બદલવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે. આ સાથે પાકિસ્તાને ભારતની માલિકીની અને સંચાલિત બધી એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે બેઠકમાં પહેલગામમાં પ્રવાસીઓના મોત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને 23 એપ્રિલે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને એકપક્ષીય, અન્યાયી, રાજકીય રીતે પ્રેરિત, બેજવાબદાર અને કાયદેસર રીતે પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ કહ્યું કે કાશ્મીર મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે, સમિતિએ કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વણઉકેલાયેલ વિવાદ છે, જેને સંયુક્ત રાષ્ટ્રના ઘણા ઠરાવોમાં પણ માન્યતા આપવામાં આવી છે. પાકિસ્તાન કાશ્મીરીઓના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ બેઠક બાદ પાકિસ્તાન સરકારનું નિવેદન સામે આવ્યું છે કે, ‘પાકિસ્તાન ભારત સાથે તમામ પ્રકારના વ્યવસાય પર પ્રતિબંધ મૂકે છે. સિંધુ જળ સંધિ મામલે આવ્યું કે પાણી રોકવું એ યુદ્ધ જેવું છે.’
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે ભારતના પ્રતિભાવને "ગંભીર અને અયોગ્ય" ગણાવીને તેની નિંદા કરી અને નવી દિલ્હી પર ઇસ્લામાબાદને હુમલા સાથે જોડતા પુરાવાનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો. ઉર્જા મંત્રી અવૈસ લેઘારીએ પણ IWT ના સસ્પેન્શનની નિંદા કરી, તેને "જળ યુદ્ધ" ગણાવ્યું અને વૈશ્વિક સ્તરે પાકિસ્તાનના અધિકારોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જાહેરાત કરી હતી કે IWT હેઠળના તમામ કામો સ્થગિત કરવામાં આવી રહ્યા છે, જેમાં પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદને સતત સમર્થન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વધારાના પગલાંમાં વાઘા-અટારી સરહદ બંધ કરવી, 48 કલાકની અંદર ભારતમાંથી પાકિસ્તાની નાગરિકોને બહાર કાઢવા અને સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) વિશેષાધિકારો રદ કરવાનો સમાવેશ થાય છે.