Home / World : Trump's love for Putin! not imposing reciprocal tariffs on Russia

ટ્રમ્પનો પુતિન પ્રેમ! રશિયા પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ ન કરી સમગ્ર વિશ્વને ચોંકાવ્યું

ટ્રમ્પનો પુતિન પ્રેમ! રશિયા પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ ન કરી સમગ્ર વિશ્વને ચોંકાવ્યું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા છે. અમેરિકાએ પોતાના ગાઢ મિત્ર ગણાવતાં ભારત પર પણ 26 ટકા ટેરિફ લાદ્યો છે. પરંતુ રશિયાને આ નીતિમાંથી બાકાત રાખતાં સૌ કોઈ અચરજ પામ્યા છે. એકબાજુ ટ્રમ્પ રશિયાના પ્રમુખ પુતિનથી યુક્રેન વૉર મામલે નારાજ છે. તો બીજી તરફ તેમણે રશિયા પર કોઈપણ પ્રકારનો ટેરિફ લાદ્યો નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રશિયાને બાકાત રાખવાનું કારણ

ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદથી વિશ્વભરમાં ટ્રેડવૉર વધવાની ભીતિ સર્જાઈ છે. તેમજ ફુગાવાના જોખમ સાથે વિશ્વભરમાં આર્થિક વિકાસ અવરોધાઈ શકે છે.  વ્હાઈટ હાઉસ રોઝ ગાર્ડનમાં 78 વર્ષીય ટ્રમ્પે ચીન, ભારત, જાપાન અને યુરોપિયન યુનિયન સહિત અમેરિકાના મુખ્ય ટ્રેડ પાર્ટનર્સ પર વધારાની ડ્યૂટી લાદવાની વિગતવાર માહિતી આપી હતી. જેમાં તેઓએ રશિયાનો ઉલ્લેખ કર્યો ન હતો. બાદમાં વ્હાઈટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું કે, રશિયા ટ્રમ્પની ટેરિફ લિસ્ટમાં નથી. કારણકે, યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર અગાઉથી જ વેપાર પ્રતિબંધો લાગુ છે. 2021માં અમેરિકા અને રશિયા વચ્ચે 35 અબજ ડોલરનો વેપાર થયો હતો. જે ઘટી ગતવર્ષે 3.5 અબજ ડોલરનો થયો હતો. તેમ છતાં અમેરિકા મોરિશિય્સ અને બ્રુનેઈ જેવા દેશો કરતાં રશિયા સાથે વધુ વેપાર કરી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે, વ્હાઈટ હાઉસે રશિયા પર ટેરિફ ન લાદવા પાછળનું જે કારણ આપ્યું છે, તે ઘણા દેશોના ગળે ઉતરી રહ્યું નથી. કારણકે, તેણે ચીન પર પણ અગાઉથી 25 ટકા ટેરિફ લાદ્યો હોવા છતાં તેના પર 34 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો છે. 

આ દેશોને પણ રેસિપ્રોકલ ટેરિફથી રાહત

લેવિટે જણાવ્યું હતું કે, ક્યુબા, બેલારૂસ અને નોર્થ કોરિયાને પણ રેસિપ્રોકલ ટેરિફની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કારણકે, તેમના પર અગાઉથી જ વધુ ટેરિફ લાગુ છે. ઈરાન અને સિરિયા પણ મોટાપાયે વેપાર પ્રતિબંધોનો સામનો કરી રહ્યુ હોવા છતાં અમેરિકાએ તેના પર ક્રમશઃ 10 ટકા અને 40 ટકા ટેરિફ લાદ્યો છે. કેનેડા અને મેક્સિકો પર પણ અગાઉથી જ 25 ટકા ટેરિફ લાદ્યો હોવાથી તેના પર પણ રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યો નથી.

યુક્રેન વૉર મામલે રશિયાને ધમકી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે. તેમણે રશિયાને અમેરિકાનો સીઝ ફાયર પ્રસ્તાવ સ્વીકારી લેવા અપીલ કરી છે. તેમજ જો તેનો અસ્વીકાર કરશે તો રશિયન ક્રૂડ પર વધારાના પ્રતિબંધો મૂકી શકે છે. પુતિનના સીઝફાયર પ્રત્યેના નકારાત્મક વલણના કારણે ટ્રમ્પ તેમનાથી નારાજ છે. અને રશિયાને તેનું નુકસાન ભોગવવા ચેતવણી પણ આપી છે. જો રશિયા એક મહિનાની અંદર સીઝફાયરનો અમલ નહીં કરે તો અમેરિકા તેના પર વધુ ટેરિફ લાદશે.

 

Related News

Icon