
દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં પણ જૂન મહિનામાં ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં પાકનો સોથ વળી જતાં ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે. આજે પણ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી સાથે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્ય તરફ વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ ખાબકશે, ત્યારબાદ આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે.ઉપરાંત, આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવે નજર કરીએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો અને કેટલું નુકશાન થયું.
સૌપ્રથમ સંસ્કારી નગરી વડોદરાની વાત કરી તો વડોદરામાં મોડી રાતે વરસાદ ખાબકતાં શહેરીજનોને બાફ અને ઉકળાટમાંથી રાહત મળી હતી. શહેરના સીટી રાવપુરા, નગરવાડા સહીતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સોનીની ચાલી,ઓઢવ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોની સાથે વાહન ચાલકો પણ હેરાન થયા હતા. નિકોલના ગોપાલ ચોકમાં પણ પાણી ભરાયા હતા.
ભરૂચ જીલ્લાના જંબુસર પંથકમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે પાંચ વાગ્યે ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું હતું.
ગોધરા શહેર સહિત તાલુકામાં પણ અનેક સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં વૃક્ષો અને વીજપોલ તુટી પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જ્યારે વરસાદને લીધે ઉનાળું પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તીર્થસ્થળ અંબાજી ખાતે પણ ભારે પવન સાથે વરસાદ પડતાં લોકોને ઉકળાટથી રાહત મળી હતી. જ્યારે બાજરી,એરંડા,મગફળી જેવા પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
સાબરકાંઠા પણ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત થયા છે. હિંમતનગર,ઈડર,વડાલી,ખેડબ્રહ્મા,પોશીના સહિતના પંથકમાં વરસાદ અંધારપટ છવાયો હતો. વીજળી ગુલ થતા UGVCLના ટેલિફોન સંપર્ક વિહોણા થયા હતા.
પાટણ જિલ્લામાં પણ સતત એક કલાક સુધી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આશરે એક ઇંચ જેટલો વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં પણ સતત બીજા દિવસે માવઠાએ કહેર વરસાવતા ઉનાળું પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.વરસાદને લીધે ખનીજના ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય પણ ઠપ થઈ ગયો છે. અંકલેશ્વર,પાનોલી,દહેજ વિસ્તારની જીઆઇડીસીઓમાં પ્રોજેક્ટના કામમાં વપરાતી રેતી,કપચી તેમજ અન્ય ખનીજની વરસાદના પગલે અછત ઊભી થઈ છે.
તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી વચ્ચે માવઠું પડ્યું હતું. સવાર થી વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડ્યો હતો. વ્યારા શહેરમાં આવેલ મિશન નાકા નજીક તથા ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.
રાજસ્થાનને અડીને આવેલા અમીરગઢ અને ઇકબાલગઢમાં ભારે પવન સાથે માવઠું પડતાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. નેશનલ હાઇવે પર વૃક્ષો પડતાં વાહન વ્યવહારને અસર થઈ હતી. બાજરી સહિતના પાકોને ભારે નુકશાન થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. એકથી દોઢ ઇંચ વરસાદ પડતાં અમીરગઢની આર આર વિધ્યાલયનું પ્રાંગણ બેટમાં ફેરવાયું હતું.
બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીને બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાત્રે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે નોંધાયેલ વરસાદ જોઈએ તો ધાનેરા 13 MM, અમીરગઢ 25 MM, દાંતામાં 21 MM, વડગામમાં 36 MM, પાલનપુરમાં 35 MM, ડીસામાં 31.6 MM વરસાદ પડ્યો હતો. 62 થી 87 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પાલનપુર અંબાજી હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમા મુકાયા હતા.
મહીસાગર જિલ્લામાં પણ વરસાદ અને ભારે પવનને કારણે બે મકાન ધરાશાયી થયા હતા. ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે મકાન ધરાશાયી થતાં ઘરમાં સૂઈ રહેલો પરિવાર દબાયો હતો. જેમાં માલીવાડ નાનાભાઇ ભૂરાભાઇનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ગામલોકોએ બચાવ કામગીરી કરી હતી.
ખેડા જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટા સાથે વરસાદી છાંટા પડ્યા હતા. ડાકોર, ઠાસરા તેમજ ગળતેશ્વર તાલુકામા વરસાદી માહોલ જોવાયો હતો. માતર,ત્રાજ,લીંબાસી,માલાવાડા,પરીએજ,પાલ્લા સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. ડાકોરમાં વરસાદી પાણી ભરાતા પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા હતા.
નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલા લુન્સીકુઈ,સ્ટેશન રોડ,ડેપો સહિત અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
અરવલ્લી જિલ્લામાં પણ મેઘાવી માહોલ સર્જાયો હતો. જિલ્લાના મોડાસા,માલપુર,મેઘરાજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા હતા અને પતરા પણ ઉડ્યા હતા. સુનોખ વાશેરા પંથક માં ખેતરોમાં પાક આડો પડ્યો પડ્યો હતો. માલપુર-અંબાવા કોયલીયા રસ્તો વૃક્ષ પડવાથી બંધ કરાયો હતો.
કડીમાં મોડી રાત્રે વરસાદી પાણીથી કડી થોળ રોડ પરનો અંડરપાસ ભરાઈ જતાં વાહન વ્યવહાર અટકાવવાની ફરજ પડી હતી. તેમજ અન્ય જગ્યાઓએ પણ પાણી ભરાયા હતા. ઉપરાંત, ઉંઝામાં મુખ્ય રેલ્વે અંડર પાસમાં વરસાદી પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ કરાયો હતો.
શહેરા તાલુકાના પસનાલ ગામમાં રાત્રે આવેલ ભારે પવન સાથે વરસાદને કારણે એક ઘરના પતરા ઊડી જતાં પરિવારના 6 લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘરવખરીને નુકશાન થયું હતું.મીની વાવાઝોડાના કારણે વીજ થાંભલા પડી જતા ગામમાં વિજળી પણ ગુલ થઈ ગઈ હતી.
સુરેન્દ્રનગરમાં પણ માવઠાને લીધે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. જિલ્લામાં સરેરાશ એકથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ દસાડા તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લીધે તલ,બાજરી, શાકભાજી, લીલા ચારાના પાકનો સોથ વળી ગયો હતો. ખેડૂતોએ નુકશાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી છે.