
યુક્રેને રશિયા પર કરેલા ડ્રોન હુમલાનો વળતો જવાબ આપતા રશિયાએ પણ પ્રિલુકી, ખાર્કિવમાં ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 5 લોકોના મોત થયા છે જ્યારે 23થી વધુ ઘાયલ થયાનું પ્રાથમિક અનુમાન છે.
ગુરુવારે રાત્રે ઉત્તરી યુક્રેનના પ્રિલુકી શહેર પર રશિયન ડ્રોન હુમલામાં 1 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. સ્થાનિક ગવર્નરે વ્યાચેસ્લાવ ચૌસે ગુરુવારે આ માહિતી આપી. ચૌસે જણાવ્યું હતું કે હુમલામાં 6 વધુ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ગુરુવારે સવારે 6 કલાકે શાહેદ ક્લાસ ડ્રોને પ્રિલુકીના રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો હતો, જેના કારણે રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું હતું.
ખાર્કિવમાં રશિયન ડ્રોન હુમલામાં 17 લોકો ઘાયલ થયા
પ્રાદેશિક વડા ઓલેહ સિન્યહુબોવે થોડા કલાકો પછી 'ટેલિગ્રામ' પર લખ્યું હતું કે, ગુરુવારે પૂર્વી યુક્રેનિયન શહેર ખાર્કિવમાં રશિયન ડ્રોન હુમલામાં 17 લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો, એક ગર્ભવતી મહિલા અને 93 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે. શાહેદ ક્લાસ ડ્રોને લગભગ 1:05 વાગ્યે સ્લોબિડસ્કી જિલ્લામાં 2 એપાર્ટમેન્ટ પર હુમલો કર્યો હતો, જેના કારણે આગ લાગતા ઘણા ખાનગી વાહનોનો બળીને ખાખ થયા છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત પહેલા આ હુમલાઓ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે પુતિને બુધવારે ફોન પર તેમને ખૂબ જ સ્પષ્ટતાથી કહ્યું હતું કે તેઓ સપ્તાહના અંતે રશિયન એરપોર્ટ પરથી યુક્રેનિયન ડ્રોન હુમલાનો જવાબ આપશે. અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, પુતિન સાથે તેમની લાંબી વાતચીત થઈ હતી. જે સકારાત્મક રહી હતી. પરંતુ એવી ખાત્રી નહોતી આપી કે જે તાત્કાલિક શાંતિ સ્થાપિત થઈ શકે. આવું પહેલી વાર છે જ્યારે ટ્રમ્પે રશિયાની અંદર યુક્રેનિયન હુમલા અંગે ટિપ્પણી કરી છે.