
Surendranagar news: સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આજે રેલવે પ્લેટફોર્મ પર માલગાડીના બે વેગન રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી ગયા હતા. જેથી રેલવે ટ્રેક પરથી જતી-આવતી ટ્રેનો અને અન્ય ગુડ્ઝ ટ્રેનોને અસર થઈ હતી. બે વેગન પાટા પરથી ઉતરી જતા રેલવે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જેના લીધે કલાકો સુધી માલવાહક ટ્રેનો રોકવાની નોબત આવી હતી. જો કે, આના લીધે કોઈ જાનહાનિ કે મોટો અકસ્માત થતા અટકી ગયો હતો.
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન જંકશન હોવાથી સૌરાષ્ટ્ર જતી આવતી ટ્રેનો સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આવતી હોય છે. આ સ્ટેશન પર આજે તા. 23 એપ્રિલે સવારે માલગાડીના બે વેગન અચાનક રેલવે ટ્રેક પરથી ખડી પડયા હતા. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનમાં માલગાડી એન્ટ્રી લઈ રહી હતી તે દરમ્યાન જ આ ઘટના સર્જાઈ હતી. જેથી આ રેલવે ટ્રેક પરથી જતી અને આવતી તમામ ટ્રેનોને અસર થઈ હતી. આ બનાવને પગલે રેલવેના મોટા અધિકારીઓ દોડતા થયા હતા. તાબડતોબ ઘટનાસ્થળે જઈ માલગાડીના ડબ્બાને રાબેતા મુજબ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આના લીધે કલાકો સુધી માલવાહક ટ્રેનો રોકવાની નોબત આવી હતી. આમ છતાં એક-બે ટ્રેનોને સ્ટેશન પર રોકવાથી પ્રવાસીઓ પણ પૂછપરછ કરતા થઈ ગયા હતા. જો કે, સારી વાત એ રહી કે, ટ્રેનની સ્પીડ કંટ્રોલમાં હોવાથી મોટી જાનહાનિ અને ગંભીર અકસ્માત થતા અટક્યો હતો. જેના લીધે ટેક્નિકલ વિભાગની ટીમોએ પાટા પર થી નીચે ઉતરી ગયેલા વેગનો ફરી ટ્રેક પર ચઢાવી અને ટ્રેનને રવાના કરી હતી