કોટડાસાંગાણી પંથકમાં ત્રણ મહિનાથી સિંહનું સામ્રાજ્ય: વાછપરી ડેમ પાસે સિંહ દેખાતા ફફડાટ

 

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પંથકમાં છેલ્લા ત્રણ મહિનાથી સિંહે ધામા નાખ્યા છે. ગીરનું જંગલ છોડીને સિંહ હવે રેવન્યુ વિસ્તારમાં સ્થાયી થયા હોય તેમ લાગી રહ્યું છે. ગત રાત્રીએ સોળિયા ગામ નજીક આવેલા વાછપરી ડેમ પાસે સિંહ લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજકોટના કોટડાસાંગાણી પંથકમાં વન્ય જીવોના વસવાટના બનાવો વધી રહ્યા છે. છેલ્લા 90 દિવસથી વધુ સમયથી આ વિસ્તારમાં સિંહોના આંટાફેરા સતત વધી રહ્યા છે. ખાસ કરીને કોટડાસાંગાણી, માણેકવાડા, વાદીપરા, પાંચતલાવડા, ખોખરીગામોમાં સિંહની હાજરીથી ખેડૂતો અને ગ્રામજનો ચિંતામાં છે

વાછપરી ડેમ પાસે દેખાયો સિંહ

ગઈકાલે રાત્રે સોળિયા ગામ પાસે આવેલા વાછપરી ડેમ નજીકથી પસાર થતા રાહદારીઓને સિંહના દર્શન થયા હતા. રાહદારીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં સિંહના દ્રશ્યો કેદ કર્યા હતા, જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વન વિભાગની કામગીરી

સિંહ લાંબા સમયથી આ વિસ્તારમાં હોવાને કારણે વન વિભાગ પણ સતર્ક બન્યું છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહની મૂવમેન્ટ પર સતત વોચ રાખવામાં આવી રહી છે જેથી કોઈ જાનહાનિ કે પશુઓના મારણની ઘટના ન બને 

ખેડૂતોની ચિંતા 

રાત્રિના સમયે વાડી-ખેતરોમાં પાણી વાળવા જતી વખતે હવે સિંહના ડરને કારણે ખેડૂતો સમૂહમાં નીકળવા મજબૂર બન્યા છે.

KALPESH JADAV
KALPESH JADAV
Next Story Arrow GIF