
ઓસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રિયા પ્રેસ એજન્સી અનુસાર ગ્રાઝ શહેરના મેયરે જણાવ્યુ કે આ ફાયરિંગમાં 11 લોકોના મોત થયા છે.
વિદ્યાર્થીએ જ સ્કૂલમાં ફાયરિંગ કર્યું
મળતી માહિતી અનુસાર, સ્કૂલનો જ એક વિદ્યાર્થી બંદૂક લઇને સ્કૂલમાં પહોંચ્યો હતો અને જે સામે દેખાયુ તેના પર ફાયરિંગ કર્યું હતું. તે બાદ તે વિદ્યાર્થી વોશરૂમમાં ગયો અને ખુદને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પોલીસે જણાવ્યુ કે સવારે 10 વાગ્યે (સ્થાનિક સમય અનુસાર) સૂચના મળી હતી અને થોડી વારમાં જ સ્કૂલની બિલ્ડિંગમાં ગોળીઓનો અવાજ સંભળાયો હતો.
પોલીસે સ્કૂલને ખાલી કરાવી
સ્થાનિક પોલીસે લોકોને સ્કૂલથી દૂર રહેવા અને અધિકારીઓના આદેશનું પાલન કરવાની સલાહ આપી હતી. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યુ કે સ્કૂલને ખાલી કરવામાં આવી છે અને તમામને સુરક્ષિત સ્થળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યુ કે સ્થિતિ નિયંત્રણમાં છે અને હવે કોઇ ખતરો નથી.