
Pakistan Violates Ceasefire: પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને પોતાના રંગ બતાવવાના શરૂ કરી દીધા છે. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પર ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર શરૂ કર્યો છે. ભારતીય સેના અનુસાર, 25-26 એપ્રિલની રાત્રે કાશ્મીર નિયંત્રણ રેખા પાર વિવિધ પાકિસ્તાની સેના ચોકીઓ દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય સૈનિકોએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે. જોકે, આ ગોળીબારમાં કોઈ જાનહાનિની સૂચના નથી મળી.
એક સંરક્ષણ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. 25-26 એપ્રિલની રાત્રે, કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પાર પાકિસ્તાની સૈન્યની અનેક ચોકીઓ પરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાના જવાનોએ હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનની આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો છે.'
શુક્રવારે કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન
આ પહેલાં શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાના અમુક ભાગ પર પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. હાલ આ અથડામણમાં કોઈ પ્રકારની જાનહાનિની માહિતી સામે નથી આવી. પાકિસ્તાનના ગોળીબાર અને ભારતીય પ્રતિક્રિયા પર ભારતીય સેનાની પ્રતિક્રિયા પર ભારતીય સેનોનું કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો સાથે શ્રીનગરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી. માહિતી અનુસાર, પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.