
ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા iPhone અને iPad યુઝર માટે ચેતવણી આપવામાં આવી છે. એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાથી યુઝર્સના ડેટા ચોરી થવાનો ભય રહેલો છે. iPhoneની iOS 18.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમ અને iPadOS 17.7.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય તો યુઝર્સ માટે ખૂબ જ મોટું જોખમ છે. આથી આ ખામીને કારણે યુઝર્સ પોતાના ડેટા ગુમાવવાની સાથે મોબાઈલનો ઉપયોગ પણ નહીં કરી શકે એવું બની શકે છે.
ખામીને કારણે ઘણી એપલ ડિવાઇસ પર અસર
ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા એપલની ઘણી નવી અને જૂની ડિવાઈસમાં ખામી જોવા મળી છે. iPhone XSથી લઈને iPhone 16 અને iPad પ્રો, એર, મિની અને સ્ટાન્ડર્ડ મોડલના વિવિધ આઇપેડમાં પણ આ ખામી જોવા મળી છે. આથી યુઝર કઈ ડિવાઇસનો ઉપયોગ કરે છે એ નહીં, પરંતુ કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે એ મહત્ત્વનું છે.
નોટિફિકેશનમાં છે સમસ્યા
iPhone અને iPadની નોટિફિકેશન સિસ્ટમમાં ખામી છે. આ એક એપલનું ઇન્ટર્નલ મેસેજિંગ ફ્રેમવર્ક છે અને એમાં જ ખામી છે. આથી કોઈ પણ એપ્લિકેશન કોઈપણ પ્રકારની પરવાનગી વગર સિસ્ટમ-લેવલનું નોટિફિકેશન મોકલી શકે છે. આ ખામીને કારણે ડિવાઇસને ક્રેશ કરી શકાય છે. આ ડિવાઇસને થોડા સમય માટે હેંગ પણ કરી શકે છે.
ખામીને કારણે થઈ શકે છે નુકસાન
યુઝર જ્યાં સુધી મોબાઈલને રિસ્ટોર કરે ત્યાં સુધીમાં તમામ ડેટા ચોરાઈ ગયો હોઈ શકે છે. હેકર્સ આ ખામીનો ઉપયોગ કરીને ડેટા ચોરી કરી શકે છે, જેમાં પર્સનલ અને નાણાકીય માહિતી પણ હોઈ શકે છે. બિલ્ટ-ઇન સિક્યોરિટી સિસ્ટમને પણ બાયપાસ કરી શકાય છે. કેટલાક કેસમાં યુઝરની ડિવાઈસને સંપૂર્ણ રીતે ક્રેશ પણ કરી શકાય છે, જેથી તેનો ઉપયોગ કરવો શક્ય નથી. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા ઘણા કેસ સામે આવી રહ્યા છે.
એપલે રિલીઝ કર્યું સિક્યોરિટી અપડેટ
એપલ દ્વારા આ ખામીને દૂર કરવા માટે નવું સિક્યોરીટી અપડેટ આપવામાં આવ્યું છે. આ અપડેટ iPhone અને iPad બંને માટે છે. આથી યુઝરને શક્ય તેટલી જલદી આ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સાથે જ યુઝરે અનવેરિફાઈડ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાથી દૂર રહેવું જોઈએ. જો મોબાઈલ વિચિત્ર વર્તન કરે, તો તેના પર ફોકસ કરવું. જો યુઝર કોઈ એક્ટિવિટી ન કરી રહ્યો હોય અને તેમ છતાં ફોન ઓટોમેટિક ઓપરેટ થાય, તો થોડું ચેતીને રહેવું.