
ભાજપના શાસનમાં નેતા-કાર્યકરો તો ઠીક, ખુદ મંત્રી અને ધારાસભ્યો જ હોદ્દાનો દૂરપયોગ કરીને લાભ લેવામાં બાકાત રહ્યાં નથી. રાજકીય વગના જોરે મંત્રી-પુત્રોને તો જાણે મોકળુ મેદાન મળ્યું છે. સામાન્ય વ્યક્તિ કોઈ ગુનો કરે તો કસૂરવાર પણ મંત્રીપુત્રોને તો કોઈ કહેનાર જ નથી.
આ ઉપરાંત ધારાસભ્ય રમણવોરા, અનિરુદ્ધ દવે ખોટા દસ્તાવેજોના આધઆરે નકલી ખેડૂત બન્યાં છે. જ્યારે દુષ્કર્મ કેસમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરનાર અત્યાર સુધી ફરાર છે. આમ ભાજપના મંત્રી-ધારાસભ્યો જ દાગદાર બન્યા છે. આ જોતા હવે ભાજપ હાઈકમાન્ડ દાગદાર મંત્રીઓને ઘરનો રસ્તો દેખાડવાના મતમાં છએ. ગુજરાતમાં સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો તંત્ર-પોલીસની નજરે કસૂરવાર. પણ ભાજપના મંત્રીપુત્ર, ધારાસભ્ય કૌભાંડ કરે, દુષ્કર્મ આચરે નકલી ખેડૂત બને તો કોઈ ગુનો બનતો નથી તેવું ચિત્ર ઉપસ્યું છે જેમકે
બચુખાબડના પુત્રો માટે મનરેગા કમાણીની યોજના બની
દાહોદ જિલ્લો મંત્રી બચુ ખાબડનો મત વિસ્તાર રહ્યો છે, જ્યાં ગરીબ આદિવાસીને મજૂરી આપવાને બદલે માત્ર કાગળ પર જ મટીરિયલ્સ સપ્લાય કરીને ખાબડના પુત્રોએ લાખો-કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા છે. છેલ્લા 10 વર્ષથી મંત્રી પુત્રોની જ એજન્સીઓને માટી, કપચી સહિત અન્ય મટિરિયલ્સના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા હતા. પંચાયત કૃષિમંત્રી ખાબડની રાજકીય વગના જોરે આ કૌભાંડ અત્યાર સુધી ચાલ્યું હતું. આખરે વિપક્ષે હંગામો કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
મંત્રી મુકેશ પટેલનાપુત્રે બોગસ લાઇસન્સના આધારે વસાવ્યું હથિયાર
ગુજરાતમાં બોગસ હથિયારના લાઇસન્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલનું નામ પણ સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઓલપાડ વિધાનસભામાં ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી હથિયારના લાઇસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી લાઇસન્સ મેળવ્યું અને સુરત શહેરમાં અધિકૃત કરાવ્યું હતું.
બીઝેડ કૌભાંડમાં અન્ન પુરવઠામંત્રી ભીખુસિંહના પુત્રનું કનેક્શન
કરોડોના બીઝેડ કૌભાંડનો રેલો સાબરકાંઠા-અરવલ્લીથી છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છએ. ત્યારે મુખ્ય સુત્રધાર સાથે મંત્રીપુત્રની મીલીભગત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોન્ઝી સ્કિમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે મંત્રીપુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે. ભુપેન્દ્ર ઝાલાએ ભાજપને પણ મોટુ ફંડ આપ્યું હોવાનો આરોપ છે.
ધારાસભ્ય રમણ વોરા અને અનિરુદ્ધ દવે નકલી ખેડૂત બન્યા
ગાંધીનગર જિલ્લાના પાલેજ ગામમાં ભળતા નામોનો ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદી ઈડરના ધારાસભ્ય રમણ વોરા બોગસ દસ્તાવેજના આધારે ખેડૂત બની ગયા. અરજદારે છેક મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ભાજપના વધુ એક ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ ખોટી વારસાઈના આધારે ખેડૂત બન્યા હોવાનો આરોપ છે.
દુષ્કર્મ કેસમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હજુ ફરાર
ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર મહિલા સશક્તિકરણના નામે ગુલબાંગો પોકારવામાં આવે છે. જોકે ભાજપના જ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દુષ્કર્મ કેસમાં કેટલાય મહિનાઓથી ફરાર છે. હાઈકોર્ટના આદેશ છતાં પોલીસ હજુ સુધી આ ધારાસભ્યને પકડી શકી નથી.