
ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોની એક ટીમે પ્રોટીનના એક જૂથની ઓળખ કરી છે જે કેન્સર અને વય-સંબંધિત રોગોની સારવારની રીતને બદલી શકે છે. એક અહેવાલ અનુસાર સિડનીમાં ચિલ્ડ્રન્સ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMRI) ના સંશોધકોએ શોધી કાઢ્યું કે આ પ્રોટીન ટેલોમેરેઝને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ટેલોમેરેઝ એક એન્ઝાઇમ છે જે કોષ વિભાજન દરમિયાન ડીએનએના રક્ષણ માટે જવાબદાર છે. વૈજ્ઞાનિકો અનુસાર આ સફળતા જણાવે છે કે ટેલોમેરેઝ કેવી રીતે સ્વસ્થરીતે ઉંમર વધવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપી શકે છે અને કેન્સર કોષોના વિકાસમાં પણ વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં, આ નવા ઓળખાયેલા પ્રોટીન સેટને લક્ષ્ય બનાવીને ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરવા અને કેન્સરને રોકવા માટેની સારવારની નવી શક્યતાઓ શોધવામાં મદદરુપ હોવાનું પણ કહેવાય છે.
ટેલોમેરેઝ ગુણસૂત્રોના છેડાને જાળવવામાં મદદ કરે છે, જે આનુવંશિક સ્થિરતા માટે જરૂરી છે. ટેલોમેરેઝ ગુણસૂત્રોના છેડામાં ડીએનએ ઉમેરે છે જેથી તેમને નુકસાનથી બચાવી શકાય.
નેચર કમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપરમાં,ટીમે પ્રકાશિત કર્યું કે ત્રણ પ્રોટીન NONO, SFPQ અને PSPC1 ટેલોમેરેઝને ગુણસૂત્રના છેડા સુધી ખસેડવામાં મદદ કરે છે. કેન્સર કોષોમાં તેમને રોકવાથી ટેલોમેરેઝની જાળવણી અટકે છે, જે કેન્સર કોષોના વિકાસને પણ રોકી શકે છે. એટલે કે કેન્સર અટકાવી શકાય છે.વૈજ્ઞાનિકોના નિષ્કર્ષ અનુસાર આ પ્રોટીન મોલેક્યુલર ટ્રાફિક નિયંત્રકો તરીકે કાર્ય કરે છે, જે ખાતરી કરે છે કે ટેલોમેરેઝ કોષની અંદર તેના યોગ્ય ગંતવ્ય સુધી પહોંચી શકે.
CMRIના ટેલોમેર લેન્થ રેગ્યુલેશન યુનિટના વડા અને અભ્યાસના લેખક હિલ્ડા પિકેટે જણાવ્યું કે, ટેલોમેર્સને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તે સમજવાથી કેન્સર, વૃદ્ધત્વ અને ટેલોમેર ડિસફંક્શન સંબંધિત આનુવંશિક વિકારોને લક્ષ્ય બનાવતી સારવારની પદ્ધતિઓ વિકસાવવી શકાય છે.