સુરત શહેરના કાપોદ્રા ઓવરબ્રિજ પર એક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જેણે આગને નિયંત્રણમાં લાવી હતી. કાર ચાલકે સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ એટલી ભયાનક હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ધુમાડો અને આગની જવાળાઓ દૂરથી નજરે જોઈ શકાતા લોકો એકઠાં થઈ ગયા હતા.

