
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં ડમ્પર પલટી ખાઈ જતાં 3 લોકોના મોત થયા હતા. જેને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું ડેમમાં પલટી ખાધેરલ ડમ્પર ગેરકાયદેસર રેતી ભરીને લઈ જતું હતું. ભૂ માફિયાઓની દાદાગીરી એટલી વધી ગઈ છે કે પીવાના પાણી માટે આરક્ષિત ધોળીધજા ડેમમાં હોડકા મૂકી રેતી ચોરી કરવામાં આવતી હતી.
ત્રણ યુવકોના મોતની શંકામાં એક મૃતદેહ મળ્યો
ગેરકાયદેસર ખનનની રેતી ભરીને લઈ જતા ડમ્પરે ડેમમાં પલટી મારી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાની આશંકા વચ્ચે હાલ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર ઘટના મામલે જોરાવરનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદને આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભૂ માફિયાઓ સામે તંત્ર લાચાર
ગ્રામજનો ખાણખનિજ તેમજ પોલીસ વિભાગને અનેક વખત રેતી ચોરી અટકાવવા માટેની રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ પોલીસ અને ખાણખનીજ વિભાગ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. બેફામ બનેલા ખનિજ માફિયાઓ ડેમમાં રેતી ચોરી માટે ખોદકામ ચાલુ રાખ્યું હતું. તે દરમિયાન થયેલી આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
5 દિવસમાં 7થી વધુ લોકોના ડમ્પર ચાલકોએ લીધા જીવ
આ બેફામ બનેલા ડમ્પર ચાલકોએ છેલ્લા 5 દિવસમાં 7થી વધુ લોકોના જીવ લઈ લીધા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પીળા રાક્ષશો સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરમાં ઓવરલોડ ખનિજ વહન કરતા ખનીજ માફિયાઓ ઉપર કડક પગલાં ક્યારે એ એક સળગતો સવાલ ઊભો થયો છે. નિયમોના ઉલારીયાઓ સામે જાણે પોલીસ પણ લાચાર બની ગઈ હોવાનો ઘાટ સર્જાયો છે. આ સમગ્ર મામલે હાલ તંત્ર દ્વારા ભીનું સંકેળવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.