
જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી વાડી શાળા નંબર 2માં કાયમી શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓ રામ ભરોસે છે. આ શાળામાં 58 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ કાયમી શિક્ષકની નિમણૂક ન હોવાથી આજુબાજુની શાળાના શિક્ષકો અભ્યાસ કરાવા માટે આવે છે. તેમજ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ આ શાળાએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સેવા આપવા માટે આવે છે.
સરકાર દ્વારા 'ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત' જેવા સ્લોગનો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં શિક્ષકોની મોટી ઘટ હોવાનું સામે આવ્યું છે. ધ્રોલમાં આવેલી વાડી શાળા નંબર 2માં એક પણ શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામ ભરોસે છે. વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ શાળામાં કાયમી શિક્ષકની નિમણૂક ન કરાતા રોજ આજુબાજુની શાળાના એક એક શિક્ષકો આવીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે મોટો સવાલ તો એ સામે આવે છે કે ગતરોજ જે શિક્ષકે અભ્યાસ કરાવ્યો હોય તો બીજા દિવસે બીજા શિક્ષક કોઈ અલગ જ અભ્યાસ કરાવે છે. જેને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.
'ભણશે ગુજરાત' આગળ વધશે ગુજરાત'ના દાવા પોકળ
ધ્રોલમાં આવેલી વાડી શાળા નંબર 2માં શાળા છે, વિદ્યાર્થીઓ પણ છે પણ શિક્ષક નથી તો બીજી તરફ આ જ શાળામાં બાલમંદિરની હાલત કફોડી જોવા મળી રહી છે. બાલમંદિરની છતમાંથી પોપડા પડતા હોવાનું વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ શિક્ષકોને પણ બાળકોને રૂમની બદલે બહાર મેદાનમાં બેસાડવાની ફરજ પડી રહી હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે બાલમંદિરની ગ્રાન્ટ ઘણા લાંબા સમયથી આવી ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા નવું બાલમંદિર ક્યારે બનાવવામાં આવશે તે એક સવાલ છે. સ્થાનિક વાલીઓએ આ અંગે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત તેમજ મૌખિક અનેક રજૂઆતો કરી છે, પરંતુ 58 જેટલા વિદ્યાર્થીઓ હોવા છતાં કાયમી શિક્ષકની નિમણૂક કરવામાં નથી આવી રહી, ત્યારે ટૂંક સમયમાં કાયમી શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવે તો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ધ્રોલમાં આવેલી વાડી શાળા નં-2 શિક્ષક વગર નોંધારી બની
'ભણશે ગુજરાત' આગળ વધશે ગુજરાત'ના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ધ્રોલમાં આવેલી વાડી શાળા નં 2માં એક પણ કાયમી શિક્ષક ન હોવાથી બાળકોનું ભવિષ્ય ખોરવાઈ રહ્યું છે. છેલ્લા ત્રણેક મહિનાથી શિક્ષક ન હોવાથી શાળા રામ ભરોસે ચાલી રહી છે તો બીજી તરફ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હાલ પુરતા એક શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે અને નવા સત્રથી શિક્ષકની નિમણૂક કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું. પરંતુ સવાલ એ પણ થાય કે જામનગર જિલ્લામાં આવી કેટલી શાળાઓ છે જે વિદ્યાર્થીઓ શિક્ષણથી ઝંખે છે. શિક્ષકના અભાવથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે કાયમી શિક્ષક નિમણૂક કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.