
યુટ્યુબના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, ગૂગલે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ માટેના નિયમો કડક બનાવવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો અમલમાં આવ્યા પછી દરેક વ્યક્તિ લાઈવ સ્ટ્રીમ નહીં કરી શકે, ગુગલે બાળકોને વધુ સારી સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી આ પગલું ભર્યું છે. અત્યાર સુધી લાઈવ સ્ટ્રીમિંગ માટે લઘુત્તમ ઉંમર 13 વર્ષ હતી, જે હવે વધારીને 16 વર્ષ કરવામાં આવી છે અને આ નવો નિયમ આવતા મહિનાની 22 જુલાઈથી અમલમાં આવશે.
નવા નિયમોનો અર્થ એ છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે લાઈવ સ્ટ્રીમ નહીં કરી શકે. નવા નિયમો અંગે, યુટ્યુબે કહ્યું કે આ પગલું સગીરોની સુરક્ષા વધારવા અને ઓનલાઈન પ્રેક્ષકો સાથે જોડાતી વખતે બાળકો દ્વારા સામનો કરવામાં આવતા જોખમને મર્યાદિત કરવા માટે લેવામાં આવ્યું છે. યુટ્યુબના સપોર્ટ પેજ પર લખ્યું છે કે આ અપડેટ કિશોરો અને બાળકોની સુરક્ષાને કારણે અમારા ચાલુ કાર્યનો એક ભાગ છે.
નવા નિયમ પછી આ રીતે મળશે ઢીલ
નવા નિયમો લાગુ થયા પછી પણ 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરોને લાઇવસ્ટ્રીમમાં દેખાવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ ફક્ત કડક શરતો હેઠળ અને શરત એ છે કે તે કેમેરા પર પુખ્ત વયના લોકો સાથે લાઇવસ્ટ્રીમ કરી શકશે. જો આવું નહીં થાય તો YouTube લાઇવ ચેટ બંધ કરશે અથવા સ્ટ્રીમિંગને સંપૂર્ણપણે દૂર કરશે.
યુટ્યુબ અંગે ગુગલની આ નવી નીતિ એવા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જે તેના માતાપિતા વિના લાઇવ સ્ટ્રીમ કરવા માંગે છે. હવે નવા નિયમો પછી તમારે ચેનલ મેનેજર તરીકે માતાપિતા અથવા પુખ્ત વ્યક્તિને ઉમેરવા પડશે. યુટ્યુબની નીતિમાં આ મોટો ફેરફાર બાળ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાં પર આધારિત છે. જોકે નવા પ્રતિબંધો કેટલાક મહત્વાકાંક્ષી યુવાનોને નિરાશ કરી શકે છે, યુટ્યુબ કહે છે કે સગીરોની સુરક્ષા કંપનીની ટોચની પ્રાથમિકતા છે.