Home / GSTV શતરંગ / Tushar Dave : From Gandhi to Modi and from politics to politics!

બંધારણની બદલવાની બબાલ : (ઈન્દિરા) ગાંધીથી મોદી અને રાજકારણથી રાજકારણ સુધી!

બંધારણની બદલવાની બબાલ : (ઈન્દિરા) ગાંધીથી મોદી અને રાજકારણથી રાજકારણ સુધી!

 - તુષાર દવે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતમાં દર થોડા સમયે કોઈને કોઈ ભૂત ધુણતા રહે છે. આવું જ એક એવરગ્રીન ગમે ત્યારે ધૂણે એવું ભૂત છે, બંધારણના આમુખમાં પાછળથી ઉમેરાયેલા ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દોનો વિવાદ અને તેને દૂર કરવાની માંગ.

બન્યું એવું કે બે-ત્રણ દિવસ પહેલા આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે ભારતના બંધારણમાંથી (વાસ્તવમાં બંધારણના આમુખમાંથી) સેક્યુલર (ધર્મનિરપેક્ષ) અને સોશિયલિસ્ટ (સમાજવાદી) શબ્દો દૂર કરવા જોઈએ. 

એમના એક્ઝેટ શબ્દો કંઈક એવા હતા કે, 'સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો કટોકટી દરમિયાન ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યા છે અને આ શબ્દો પ્રસ્તાવનામાં રહેવા જોઈએ કે નહિ, એના પર વિચારણા થવી જોઈએ.' મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના વર્તમાન મંત્રી શિવરાજસિંહે પણ ચાલતી ગાડીમાં ચડતા કહ્યું કે, 'બંધારણમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોને હટાવવા માટે ચોક્કસપણે વિચારણા કરવી જોઈએ.' સંઘ સાથે જોડાયેલા સાપ્તાહિક 'ઓર્ગેનાઈઝર'માં પણ શુક્રવારે એક લેખ છપાયો. જેમાં કહેવામા આવ્યુ કે 1976માં કોંગ્રેસ સરકારે કટોકટી દરમિયાન આ શબ્દો ઉમેરેલા. જે બંધારણ સભાની મૂળ વિચારસરણીની વિરુદ્ધ હતા. બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાએ બંધારણમાં આ શબ્દોનો સમાવેશ કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.' લેખમાં કોંગ્રેસે કટોકટી દરમિયાન બંધારણની આત્મા બદલવાનો પણ આરોપ મુકાયો છે. 

આ વિવાદમાં આમ જોઈએ તો સામાન્ય પબ્લિકને કશા કાંદા કાઢી લેવા જેવા નથી. આ રાજકીય પક્ષોનો ટાઈમપાસ અને પોતપોતાની મતબેંકને સાચવી લેવા કે ખુશ રાખવાના પેંતરા છે. 

ભાજપ અને સંઘની એ માંગ વાજબી ખરી કે ઈન્દિરા ગાંધીએ આ પરિવર્તનો કટોકટી દરમિયાન સંસદને વિશ્વાસમાં લીધા વિના કર્યા છે એટલે બદલી નાખવા જોઈએ. બીજી તરફ કોંગ્રેસ જ્યારે પણ આ વિવાદ ઉખડે ત્યારે તરત જ ભાજપ 'બાબાસાહેબના બંધારણ પર ભાજપની તરાપ'નો ગોકિરો મચાવી પછાત જાતીઓમાં ભય પેદા કરવાનો પ્રયાસ કરે છે. 

આમાં બન્ને પાર્ટીઓનું રાજકારણ સમજીએ તો ભાજપને વિરોધ એટલા માટે નથી કે ઈન્દિરા ગાંધીએ એ પરિવર્તનો કટોકટી દરમિયાન કર્યા હતા. ભાજપને એ સેક્યુલર શબ્દનો વિરોધ અથવા શક્ય હોય તો પરિવર્તન કરીને હિન્દુ મતદારોનું તુષ્ટિકરણ કરવું છે કે, 'જોયું!? અમે હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યાં છીએ.' 

કોંગ્રેસનો દાવ એ છે કે તેઓ પછાત વર્ગના મતદારો, જેમાં બાબાસાહેબ આંબેડકરનો મોટો પ્રભાવ છે અને અનામત હટી જવાનો ભય છે (એ ભય સાથે ખુદ ભાજપ પણ છેડછાડ કરી શકે એમ નથી.) એમને ભાજપની વિરુદ્ધ ભડકાવવા ઈચ્છે છે કે, 'જુઓ... જુઓ અમે કહેતા હતા ને કે આ લોકોને સત્તા મળી તો તેઓ 'બાબાસાહેબ આંબેડકર'નું બંધારણ બદલી નાખશે અને તમારી અનામત પણ છીનવાઈ જશે.' કોંગ્રેસ લઘુમતી મતદારો સામે પણ 'ડોગ વ્હીસ્લિંગ' કરવા ઈચ્છે છે કે આ લોકો તમારા લઘુમતીઓના અધિકારો પર તરાપ મારશે અને ભારત મુસ્લિમો માટે વધુ અનસેફ બની જશે.

આ તો થઈ રાજકીય પક્ષોના દૃષ્ટિકોણ અને સ્વાર્થની વાત, પણ હવે આ આખો બંન્ને પક્ષોની લાળ ટપકે એવા મધપુળા જેવા વિવાદને સામાન્ય લોકો માટે સમજીએ કે એમણે આને કેટલું મહત્ત્વ આપવું જોઈએ. 

પહેલા ભાજપ-સંઘની દલીલ સ્વીકારી લઈએ કે ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો કટોકટીકાળમાં ઉમેરાયા હોવાથી એને હટાવી દેવા જોઈએ અને હટાવી પણ દેવાય તો સામાન્ય લોકો, હિન્દુ-મુસ્લિમ કે દલિતોને શું ફરક પડે કે દેશના વહીવટમાં શું ફરક પડે? 

જવાબ છે કે શકોરું પણ ફરક ના પડે. આઈ રિપીટ શકોરુ (સંભવત: સ્ટિલનું શકોરું) પણ ફરક ના પડે. 

ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો બંધારણના આમુખમાં છે અને ત્યાંથી હટાવવાની વાત છે, બંધારણમાંથી નહીં. આપણે ત્યાં લોકો વાંચતા નથી અને બંધારણ અંગેનો અંધકાર તો બ્લેકહોલ કરતા પણ વધારે ઘેરો છે. આપણે બધાં નહિ, પણ મોટાભાગના ધારાસભ્યોના જ બંધારણીય (અ)જ્ઞાનની વાત કરીએ. એક વખત તાજી જ ચૂંટણી યોજાઈ હતી અને 26 જાન્યુઆરી આવતી હતી. ત્યારે હું એક મોટા અખબારની સિટી પૂર્તિનો હેડ હતો. અમે નક્કી કર્યું કે એક સામાન્ય પ્રયોગ કરવો કે અમદાવાદના આશરે એકવીસેક ધારાસભ્યોને આપણે પૂછીએ કે તમે થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય તરીકે બંધારણનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાના કરવાના શપથ લીધા. (અમે એ શપથ પણ છાપેલી.) તો એક સાવ સામાન્ય બાબત (જે બાળકોને સ્કૂલમાં ભણવામાં પણ આવે છે) જણાવો કે આપણા બંધારણમાં મૂળભૂત હકો કેટલા છે? ફરજો કેટલી છે? હકો કયા કયા છે અને ફરજો કઈ કઈ છે? 

મોટાભાગના ચૂંટાયેલા અને તાજી જ શપથ લેનારા ધારાસભ્યોને બંધારણ વિશેના સાવ પાયાના સવાલનો જવાબ આપવામાં ફાંફા પડી ગયા હતા. ભાગ્યે જ કોઈ તમામ હકો અને ફરજો સાચી અને પૂરેપૂરી ગણાવી શકેલું. ત્યારે સામાન્ય લોકો પાસેથી બંધારણના જ્ઞાનની તો શું અપેક્ષા રાખી શકાય? એટલા માટે જ રાજકીય પક્ષો લોકોને બંધારણના નામે ડરાવવામાં અને રાજકારણ રમવામાં સફળ રહે છે. 

ફરીથી મુદ્દાને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરું તો બંધારણના આમુખમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો હટી જાય તો કશો જ ફર્ક ન પડે. કોઈ પ્રોડક્ટના પેકેટ પર એમાંથી કેટલું પ્રોટિન કે વિટામીન મળશે એ ભુંસી નાંખવામાં આવે તો શું પ્રોડક્ટમાંથી એ તત્વો નીકળી જવાના છે? કોફીના પેકેટ પર ચા લખી નાખો તો શું કોફીનું સ્વરુપ બદલાઈ જશે? આપણા બંધારણનો આત્મા જ ધર્મનિરપેક્ષ છે. એ શબ્દ આમુખમાંથી હટી જવાથી કંઈ ફરક ના પડે. આમુખમાં જ સમાનતા, ન્યાય અને બંધુત્વ શબ્દો વાપરવામાં આવ્યા છે. જે તમામ ધર્મ-જાતીના લોકોને સમાન હકો આપે છે. આપણા બંધારણના મૂળભૂત હકોમાં જ ધર્મની સ્વતંત્રતાનો હક સમાવિષ્ટ છે. અનામતનો મુદ્દો સાઈડમાં રાખીને વાત કરીએ તો બંધારણમાં ક્યાંય ધર્મ કે જાતીના આધારે ભેદભાવ નથી કરવામાં આવ્યો કે અમુક તમુક અધિકારો માત્ર હિન્દુઓને મળશે મુસ્લિમોને નહીં. ઉલટાનું આપણા બંધારણમાં તો લઘુમતી અને આદિવાસીઓના હકો તેમજ રિતી-રિવાજોના રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.

બંધારણમાં સમયાંતરે સમયોચિત ફેરફારો પણ થતા રહ્યાં છે. એ ફેરફારો બંધારણની મૂળ ભાવનાને ઠેસ પહોંચાડતા ન હોવા જોઈએ એટલી પૂર્વશરત રહે છે. બે દિવસ પહેલા જ દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ કહ્યું કે, 'ભારતનું બંધારણ સૌથી ઉપર છે. લોકશાહીના ત્રણેય અંગ બંધારણને આધિન છે. કેટલાક લોકો કહે છે કે સંસદ સર્વોચ્ચ છે, પણ મારા મતે બંધારણ સર્વોપરી છે.' 

રહી વાત બંધારણ કે કાયદાઓ બદલવાની કે પોતાના મન માફક એને મારી-તોડી-મચડીને વાપરવાની તો એ વધતેઓછે અંશે દરેક પક્ષોએ કર્યું જ છે. સ્વાભાવિક છે કે સૌથી વધારે સત્તા પર કોંગ્રેસ રહી છે તો એ કામ વધુ કોંગ્રેસના ખાતે બોલતું હોય, પણ અમુક નોંધનિય પાપ ભાજપે પણ કર્યા છે. જેમાં મારી દૃષ્ટિએ મુખ્ય પરિવર્તન છે, રાજ્યસભાના ઉમેદવારની લાયકાતમાંથી જે તે રાજ્યના રહેવાસી હોવાની શરત કાઢી નાખવી. 

2003માં ભાજપના વાજપેયીના વડપણ હેઠળની એનડીએ સરકારે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં સુધારો કરીને રાજ્યસભાનો ઉમેદવાર જે તે રાજ્યનો રહેવાસી હોવો જરૂરી હોય એ જોગવાઈ હટાવી દીધી. એ જોગવાઈનો મૂળ હેતુ સંસદમાં રાજ્યોના પ્રતિનિધિત્વનો હતો કે ઉમેદવાર જો સ્થાનિક હોય તો એનો રાજ્યની પ્રજા, સંસ્કૃતિ, સામાજિક અને આર્થિક સમસ્યાઓ તેમજ પ્રશ્નો સાથે સીધો સંબંધ હોય, જે સંસદમાં પડઘાય. વાજપેયી સરકારે એ જોગવાઈ હટાવી દીધી અને પરિણામે રાજકીય પક્ષોને જે નેતાઓ લોકસભામાં ચૂંટાઈ ન શકતા હોય એમને રાજ્યસભાના માર્ગે સંસદમાં મોકલવાનો રસ્તો મળ્યો અને રાજ્યોની પ્રજાના પ્રશ્નોનો છેદ ઉડી ગયો. એટલે ગુજરાતમાંથી જેને ગુજરાત કે ગુજરાતના સ્થાનિક પ્રશ્નો સાથે કંઈ સંબંધ ન હોય એવા અરુણ જેટલી, જે. પી. નડ્ડા અને સ્મૃતિ ઈરાની જેવા બિન-સ્થાનિક નેતાઓ ગુજરાતની રાજ્યસભા બેઠકો પરથી સંસદ પહોંચતા રહ્યા. મૂળ પંજાબના મનમોહનસિંહ આસામની રાજ્યસભા બેઠક પરથી, પી. ચિદમ્બરમ ઉત્તર પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી અને જયરામ રમેશ ઉત્તર પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી સંસદમાં પહોંચતા રહ્યા. એટલે આ જોગવાઈ બદલવાનુ પાપ ભાજપને માથે ભલે નોંધાયેલુ હોય, પણ એના ભાગીદાર દરેક રાજકીય પક્ષો છે. કારણ કે બધાંને પોતાના નોન ઈલેક્ટોરલ વેલ્ચૂ ધરાવતા નેતાઓને રાજ્યસભાના માર્ગે સંસદમાં પાર્ક કરવા હતા. 

બંધારણના આમુખમાં ઈન્દિરા સરકારે ઉમેરેલા બીજા શબ્દ સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદી શબ્દની ટૂંકમાં વાત કરીએ તો ભારત જ્યારે આઝાદ થયુ ત્યારે આ દેશ પાસે એટલી મૂડી જ નહોતી કે એ મૂડીવાદ અપનાવી શકે. સરદાર પટેલનું એક જાણીતું વિધાન છે કે ચાલો આપણે સૌ મળીને મૂડીવાદનો વિરોધ કરીએ, પણ પહેલા મૂડી તો ભેગી કરી લઈએ. મૂડીવાદનો બીજો અંતિમ હતો કમ્યુનિઝમ. કમ્યુનિઝમ કે ડાબેરી વિચારધારા તો વળી વધુ ઘાતકી. એ રસ્તો અપનાવીને વિશ્વનો કોઈ દેશ સુખી-સમૃદ્ધ થઈ શક્યો નથી. દેશની દૃષ્ટિએ પાવરફૂલ હોય તો પણ પ્રજા તો દુ:ખી જ હોય. કારણ કે સંસાધનોના સમાન વિતરણના નામે તમામ સંપત્તિની માલિક બની બેઠેલી સરકાર કે કમ્યુનિસ્ટ પાર્ટી પ્રજા પર દમન ગુજરાતી હોય. ચીન તો કમ્યુનિઝમની આડમાં મૂડીવાદ જ ચલાવી રહ્યો છે. સોવિયેત રશિયા પાયમાલ થઈને ભાંગ્યુ અને નોર્થ કોરિયાની વાત કરવા જેવી નથી. પરંતુ ભારતમાં ગરીબી હટાવવાનો પણ મોટો પ્રશ્ન હતો એટલે પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો ભાર સરકારે ઉઠાવવો જ રહ્યો. એટલે ભારતે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચેનો સમાજવાદનો રસ્તો અપનાવ્યો કે ઉદ્યોગપતિઓને પણ વિકાસની તકો આપવી અને ટેક્સ વસૂલીને લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની પંચવર્ષિય યોજનાઓ પણ ચલાવવી. ઉદ્યોગપતિઓ દેશનો વિકાસદર વધારે અને સરકાર ગરીબોના પ્રશ્નો પર ધ્યાન આપે. નરેન્દ્ર મોદી કે એમના સમર્થકો ગમે તેટલી ફાંકા ફોજદારી કરે, પણ આ પ્રક્રિયા નહેરુકાળથી મોદીકાળ સુધી સતત અવિરત ચાલતી જ રહી છે. એ અનિવાર્ય છે. મનમોહન સરકારમાં ફૂડ સેફ્ટી એક્ટ જેવી સમાજવાદી યોજના આવી તો આજે મોદી સરકાર કરોડો લોકોને મફત કે મામૂલી ભાવે અનાજ પુરૂ પાડી રહી છે. ઉજ્જવલા યોજના પણ સમાજવાદી કાર્યો પૈકીનું એક ગણાવી શકાય. 

દિલ્હી વિધાનસભા હોય, મહારાષ્ટ્રની લાડલી બહેના હોય, આયુષ્યમાન કાર્ડ હોય, જનધન યોજના હોય, દક્ષિણના રાજ્યોની વિધાનસભા હોય કે દેશની લોકસભા, જનકલ્યાણકારી સમાજવાદી યોજનાઓ વિના કોઈ સરકાર જીતી કે જીતીને પોતાનું અસ્તિત્વ ટકાવી જ ન શકે. બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ હોય કે ન હોય, સરકાર દ્વારા ભલે ચૂંટણીના કારણોસર પણ ફરજિયાતપણે કરવા પડતા આ પ્રકારના કાર્યોમાં કોઈ પ્રકારનો ફરક પડવાનો નથી.

ફરીથી મૂળ મુદ્દા પર આવું તો બંધારણ બદલવાની બબાલ કરીને ભાજપ હિન્દુ મતદારોને 'હિન્દુ રાષ્ટ્ર'નું ગાજર ચટાડવા ઈચ્છે છે તો કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દલિતો-પછાતો તેમજ લઘુમતીઓને ભાજપથી ડરાવવા માગે છે. પ્રજાએ આમાં પડીને પોતાનો સમય બગાડ્યા વિના રોજગાર, આવક, શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જ ફોકસ રાખવું જોઈએ.

ફ્રી હિટ :

કોઈએ સાચુ જ કહ્યું છે કે ઈતિહાસ પોતાને પુનરાવર્તિત કરતો હોય છે. ઈન્દિરા ગાંધીએ પોતાની સરકાર પર લાગેલા ઈમરજન્સીકાળના દમનના ડાઘ ભુસવા અને કટોકટી (જે વહેલી મોડી ઉઠાવવી જ પડવાની હતી) બાદની ચૂંટણીમાં લઘુમતીઓ અને પછાતોની આળપંપાળ કરીને રાજકીય ફાયદો મેળવવા વ્યૂહાત્મક રીતે ધર્મનિરપેક્ષતા અને સમાજવાદ શબ્દો ઉમેર્યા હતા અને ભાજપ પણ ચૂંટણીમાં લાભ મેળવવા જ એ શબ્દો હટાવવાનું રાજકારણ રમે છે. આ શાબ્દિક અને રાજકીય રમતથી વિશેષ કશું નથી.

Related News

Icon