
- તુષાર દવે
કડક શાસન અને મજબૂત સરકારના આંચળાધારીઓની અંદર ક્યારે સરમુખત્યાર પેદા થઈ જાય એની કદાચ એમને જ નહિ ખબર રહેતી હોય. સરમુખત્યારોનું સૌથી મોટું લક્ષણ ભીરુતા હોય છે. તેઓ એક નંબરના ડરપોક હોય છે. એમને સૌથી મોટો ડર એમની સત્તા છીનવાઈ જવાનો લાગતો હોય છે. વંટોળનું સ્વરૂપ પકડી લેતી સરમુખત્યારશાહી સત્યના એ દરેક દીવાને હોલવવા મથતી હોય છે જે કોઈ રીતે એનો વેગ અટકાવી શકવા સક્ષમ ન હોય, પણ એમને સત્યના નાનકુડા અજવાળાનો ડર લાગતો હોય છે. ઈન્ડિયન 'હાઉસ ઓફ કાર્ડસ' કહી શકાય એવી 'મહારાની' વેબ સિરિઝની સિઝન 2માં મદાંધો માટે મિશ્રાજીના પાત્રના મુખે એક ખતરનાક સંવાદ મુકાયો છે કે - 'સત્તા કા નશા ધતુરે સે ભી ખતરનાક હોતા હૈ... ઓર ઈસ નશે કી ખાસ બાત યે હોતી હૈ કી ઉસમે સિર્ફ આપ સહી લગતે હૈ, બાકી સબ ગલત. ઈસમેં આપ કી કુર્સી કે પાંઓ હિલને લગતે હૈ ઓર આપકો લગતા હૈ કી આપ જુલા ઝુલ રહે હો.' એબ્સોલ્યૂટ પાવર એબ્સોલ્યૂટ કરપ્ટ કરતો હોય છે, અમર્યાદિત સત્તા ઐતિહાસિક ભૂલો કરાવતી હોય છે. પ્રચંડ બહુમતી ધરાવતા મજબૂત સરકારના માંધાતા ઈન્દિરા ગાંધીએ રાયબરેલી બેઠકની રાજનારાયણ સામેની ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો ત્યારે એમને સપને ય અંદાજ હશે કે રાજનારાયણ જેવડો નેતા અને અલાહાબાદ હાઈકોર્ટના જજ જગમોહન એક જ કેસમાં એમની ખુરશી 'માયા સો મિટ્ટી ને પટ્ટણ સો દટ્ટણ' કરી નાખશે?! સત્તા જવાના ડરથી ધુંધવાયેલા ઈન્દિરાએ કટોકટી ઠોકી દીધી. દેશને ઈમરજન્સીની અને મીડિયાને સેન્સરશીપની સાંકળોથી જકડી લીધો. વિપક્ષી નેતાઓને વીણી વીણીને જેલમાં પૂર્યા. આંદોલનકારીઓ પર સિતમ ગુઝાર્યા. પત્રકારો પર કેસો કર્યા.
આ પણ વાંચો: પુણ્યતિથિ વિશેષઃ 'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા...' ઈન્ડિયા ઈઝ ભારત... મોદી ઈઝ 'મહાભારત'!
વિચારુ છું કે ઈન્દિરા ગાંધી ત્યારે ઓવર કોન્ફિડેન્સમાં જ ભૂલો આચરી બેઠા હશે ને કે આપણી જ સરકાર છે આપણને તો શું થાય? બાકી જીત તો જીત જ હતી ને... રાજનારાયણ સામે એક વોટથી પણ જીત્યા હોત તો ચાલેત ને? એક લાખથી વધુ મતોની સરસાઈ મેળવવાની લ્હાયે ભૂલ કરાવી હશે કે પછી લોકસભામાં સાડા ત્રણસોથી વધુ બેઠકની બહુમતીનો ઓવર કોન્ફીડેન્સ હશે? શું એ ઓવર કોન્ફીડેન્સ એવો જ હશે જેવો ઈલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ આચરનારા ભાજપના સત્તાધીશોમાં છે? એ ઓવર કોન્ફીડેન્સ નહિ તો બીજું શું કહેવાય કે જે આદાન-પ્રદાન હંમેશા ઓફ ધ રેકોર્ડ રહેતુ હતુ એ સઘળુ લૂંટી લેવાની લ્હાયમાં એની ઓફિશિયલ ઓન રેકોર્ડ 'ટ્રેઈલ' સર્જી બેઠા? ભ્રષ્ટાચારને જ લીગલ કરી દીધો! અગાઉ ત્રણ વર્ષ સુધી ઓન રેકોર્ડ પ્રોફીટ કરનારી કંપની જ એના પ્રોફીટના સાડા સાત ટકા પોલિટિકલ ફડિંગ કરી શકતી હતી એ કેપ સમૂળગી હટાવીને દેશને 'બનાના રિપબ્લિક' બનવાની દિશામાં ધકેલી દીધો! પ્રોફિટના સાડા સાત ટકા તો છોડો નુકસાન કરનારી કંપનીઓ અને શેલ કંપનીઓએ સેંકડો કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપ્યા હોવાના સત્તાવાર રેકોર્ડ છે. બીજા કોઈ મજબૂત લોકશાહી અને જાગૃત નાગરિકો ધરાવતા દેશમાં આવુ તોતિંગ કૌભાંડ બહાર આવ્યુ હોત તો અત્યાર સુધીમાં સરકારના પાયા હચમચી રહ્યા હોત.
આ પણ વાંચો: મધ્યમવર્ગ અને આખર તારીખ : અબ મૈં રાશન કી કતારો મેં નઝર આતા હું...!
PIBના ફેક્ટ ચેક યુનિટને અભિવ્યક્તિની આઝાદીના વિરોધમાં ગણાવી એના પર રોક લગાવનારા સુપ્રીમ કોર્ટના જજીસ ચંદ્રચુડ, પારડીવાલા અને મનોજ મિશ્રાનો મનોમન આભાર માનીને પૂર્વ મીડિયા હાઉસમાં આઈટીના અને વર્તમાનમાં ઈડીના દરોડાનો સાક્ષી બનેલો એક પત્રકાર આ લખતી વખતે વિચારી રહ્યો છે કે ઈન્દિરાની તો ખુરશી જઈ રહી હતી એટલે ઘાંઘા થઈને કટોકટી ઝીંકી દીધી, પણ મોદી-શાહ એન્ડ મંડળી તો મજબૂત સ્થિતિમાં છે, 400થી વધુ બેઠકોના સપના જોવે છે છતાં કેટલાક મામલાઓમાં અઘોષિત કટોકટી જેવું વાતાવરણ સર્જી દીધુ છે એ લોકો જ્યારે પણ પોતાની સત્તા જતી ભાળશે ત્યારે શું નહિ કરે? અને એટલે જ કોરોનાકાળમાં પગપાળા જતા મજૂરોની વેદના પર લખેલા એક આર્ટિકલની લાઈન ફરીથી લખવાનુ મન થાય છે કે - 'હિન્દુસ્તાન આજ પછી આવી આંધળી બહુમતી ભવિષ્યમાં કોઈ પાર્ટીને ન આપે એવી ઈશ્વરને પ્રાર્થના. આ દેશના સત્તાધીશો હજુ આંધળી બહુમતી પચાવવા જેટલા મેચ્યોર્ડ નથી થયાં. હે ભારત માતા, ભવિષ્યની ચૂંટણીનો ગર્ભ બંધાય ત્યારે જવાબદાર નાગરિકો પેદા કરજે નહીં તો વાંઝણી રહેજે, પણ ભાજપના ભક્તો કે કોંગ્રેસના ગુલામો પેદા ન કરતી.' (એ આર્ટિકલની લિંક : https://www.facebook.com/share/p/cVmngE7pPc2yEpFA/?mibextid=oFDknk)
લોકશાહી તો જ બેલેન્સ રહે જો મજબૂત વિપક્ષ અને કરોડરજ્જુ ધરાવતુ મીડિયા હોય. જે સતત શંકાઓ અને સવાલો કરીને સરકાર પર એક ચેક રાખે. છકી જતી અટકાવે. હું ઘણીવાર અમુક ચર્ચાઓમાં કહેતો હોઉં છું કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, તૃણમૂલ કોંગ્રેસ હોય કે કમ્યુનિસ્ટો હોય... કોઈને પણ અમર્યાદિત સત્તા આપશો ત્યારે એ બીજાઓને ભૂલાવે એવા જુલમો આચરશે.
બાય ધ વે, ઈલેક્ટોરલ બોન્ડ ગેરકાયદેસર ઘોષિત થતા મોદીના ખાતો નથી અને ખાવા દેતો નથીના દાવાની હવા નીકળી ગઈ એ કેસ ADR વતી વકીલ પ્રશાંત ભુષણ લડે છે અને રાજનારાયણના જે કેસના કારણે ઈન્દિરાની ખુરશી જતી રહેવાની હતી એ કેસમાં રાજનારાયણ વતી શાંતિ ભુષણ લડતા હતા - પ્રશાંત ભુષણના બાપા. હોવ...
ફ્રી હિટ :
બાકી સામાન્ય નાગરિકો એમ પણ વિચારી શકે કે આપણે શું? કાલથી IPL જોવાની, ડ્રિમ ઈલેવન પર ટીમ બનાવવાની અને ખુશ રહેવાનું. હો જીઓ ધનધનાધન...